વેરાવળ, તા.ર૧
વેરાવળ ફીશરીઝ વિભાગએ નિયમ ભંગ કરી દરીયામાં માછીમારી કરવા ગયેલ ૨૧ ફીશીગ બોટના માછીમારી લાયસન્સ સ્થગિત કરવાની કડક કાર્યવાહી કરતા માછીમારોમાં ચકચાર જાગી છે.દરીયામાં માછલીઓના સવનાકાળના સમય તથા ચોમાસાની સીઝનને ઘ્યાને લઇ તા.૯ જુનથી ૧૫ ઓગષ્ટ સુઘીના સમયગાળામાં દરીયામાં માછીમારી કરવા જવા પર રાજય સરકાર નો પ્રતિબંઘ હોય છે. આ પ્રતિબંઘ સમયગાળા દરમ્યાન કોઇ ફીશીગ બોટને માછીમારી કરવાના લાયસન્સ પણ ઇસ્યુ થતા નથી. તેમ છતાં દરીયામાં માછીમારી કરવા જવા પર પ્રતિબંઘના સમયગાળા દરમ્યાન વેરાવળની ૨૦ અને પોરબંદરની ૧ મળી કુલ ૨૧ ફીશીગ બોટો દરીયામાં પેટ્રોલીંગ કરી રહેલ કોસ્ટગાર્ડના જહાજના ઘ્યાને આવેલ જે અંગે વિગતવાર રીપોર્ટ કરેલ હતો. જેના આઘારે વેરાવળ ફીશરીઝ અઘિકારી પુરોહિતએ તમામ ૨૧ ફીશીગ બોટોના માછીમારી કરવાના લાયસન્સ સ્થગિત કરવાનો હુકમ કરતા માછીમાર સમાજમાં ખળભળાટ મચી ગયેલ છે. આ ઉપરાંત મત્સયઉદ્યૌગ કાયદાનુસાર તમામ બોટ માલીકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ઘરી છે.