વેરાવળ, તા.૭
વેરાવળ-પાટણ નગરપાલિકાનું ૨૦૧૮-૧૯ વર્ષનું અંદાજીત વિવિઘ વિકાસ કામો અને ખર્ચાના આયોજનવાળું સો કરોડનું બજેટ રજૂ થયેલ જેની સત્તા પક્ષ અને વિપક્ષના મળી હાજર તમામ નગરસેવકોએ સર્વાનુમતે મંજૂરીની મ્હોર મારેલ હતી. આજના બજેટમાં શહેરીજનો પાસેથી નગપાલિકા દ્વારા ઉઘરાવાતા લાઇટ અને સફાઇ વેરામાં ૨૦૦ ટકાના વઘારાને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલ છે.
વેરાવળ-પાટણ નગરપાલિકાના સભાખંડમાં આજે પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, ચીફ ઓફીસર જતીન મહેતાની હાજરીમાં બજેટ અંગેની સાઘારણ બેઠક મળી હતી. જેમાં ભાજપના ૨૩, કોગ્રેંસના ૧૪ મળી ૩૭ હાજર રહેલ જયારે બંન્ને પક્ષના ૭ સભ્યો ગેરહાજર રહેલ હતા. આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખે આગામી ૨૦૧૮-૧૯ વર્ષ માટેનું વિવિધ વિકાસ કામોના આયોજનવાળું રૂા.૯૯ કરોડ ૯૩ લાખ સાથે ૯૨.૨૪ લાખની પુરાંતવાળુ જમ્બો બજેટ રજૂ કરેલ હતું. આ જમ્બો બજેટને હાજર ૩૭ સત્તાપક્ષ-વિપક્ષના સભ્યોએ સર્વાનુમતે મંજૂર કરેલ હતું. આજના બજેટમાં સફાઇને ખાસ સ્થાન આપી આગામી વર્ષમાં ૯ કરોડનો ખર્ચ શહેરની સફાઇ પાછળ વાપરવાનો અંદાજેલ છે તેમજ શહેરમાં વિવિધ વિકાસ કામો કરવા માટે ૩૯ કરોડ જેવી રકમ વાપરવાનો અંદાજ કરવામાં આવેલ છે.
આ બજેટમાં આગામી તા.૧લી એપ્રિલથી શહેરમાં ખરીદાતા નવા ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહનો પર ૧ ટકાનો વાહન વેરો વસૂલવાનું દાખલ કરેલ છે. નગરપાલિકાના કોમ્યુનિટી હોલનું ભાડુ બમણું કરી રૂા.૨,પ૦૦ના બદલે પ હજાર વસૂલાશે તેમજ આવાસ યોજનામાં બનેલા નવા કોમ્યુનિટી હોલનું ભાડુ રૂા.૨,પ૦૦ નકકી કરવામાં આવેલ છે. નગરપાલિકાની મિલકતોમાં નામ ટ્રાન્સફર ફી માં ૧૦૦ ટકાનો વઘારો કરાયેલ છે. આ બેઠકમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વર્તમાન સફાઇ પર રૂા.પ૦ અને લાઇટ વેરા પર રૂા.પ૦ ઉઘરાવાતા વેરામાં પ૦૦ ટકાના સૂચવાયેલા વધારા સામે ઉગ્ર વિરોઘ ઉભો થતા હાજર સભ્યોએ શહેરીજનો પર એકી સાથે આટલો અસહય વધારો ઝીકી ન શકાય તેવી રજૂઆત કરતા સર્વાનુમતે બંન્ને વેરામાં ૨૦૦ ટકાના વધારાને મંજૂર કરાયો હતો. જો કે, આગામી દિવસોમાં વેરાના વધારા બાબતે શહેરીજનોમાંથી ઉગ્ર વિરોઘ વંટોળ ઉભો થવાની પૂરેપૂરી સંભાવના વર્તાય રહી છે.