ભાવનગર, તા.ર૧
અગાઉ મંદી અને હવે લોકડાઉનના કારણે ભાવનગરમાં ધંધા રોજગાર બંધ હોઈ છ મહિનાના વેરા માફ કરવા જોઈએ. મધ્યમ વર્ગને બે ટાઈમ ભોજનના સાંસાં છે ત્યારે આ નિર્ણય આવશ્યક છે તેવી રજૂઆત મહાપાલિકાના મેયર અને કમિશનરને કરાઈ છે.
અગાઉની મંદી તેમજ હાલ છેલ્લા ર માસથી લોકડાઉનની પરિસ્થિતિને કારણે સમગ્ર ભાવનગર શહેરનાં ધંધા રોજગાર બંધ હોવાથી લોકો ધંધા વિહોણા છે. આ સ્થિતિમાં તમામ કરવેરા વ્યવસાય વેરા સહિત (૬ મહિના સુધી)નાં વેરા માફ કરવા અથવા આખું વર્ષ ર૦% મુજબ રિબેટ યોજના ચાલુ રાખવી જોઈએ. કારણ કે મહાનગરપાલિકાની યોજના તા.૩૦-૦પ-ર૦ર૦ સુધી જ ર૦% મુજબની અમલવારી હોય અને હાલ છેલ્લા ર માસથી લોકડાઉન હોય, આખું વર્ષ ર૦% મુજબ રિબેટ યોજના ચાલુ રાખવી જોઈએ. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને બે ટાઈમના ભોજનની પણ વ્યવસ્થા ન થતી હોય ત્યારે મનપાએ આ બાબતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. હાલ ઘરવેરાની જે બારી ખોલવાનો સમય સવારે ૧૦-૩૦થી ૪ સુધીનો છે તેને બદલે સવારે ૯થી ૪નો સમય કરવા મહાપાલિકા વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે મેયર તથા કમિશનરને રજૂઆત કરી હતી.