(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૭
વેસુની ૧૦૦ કરોડની જમીનના કૌભાંડમાં હાઈકોર્ટના આદેશ બાદ ઉમરા પોલીસે શહેરના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા સામે ગુનો નોંધી તેની ઘરપકડ કરી હતી. જોકે ત્યારબાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતા. છ દિવસના રિમાન્ડમાં પણ પોલીસ કોઈ ચોક્કસ માહિતી કાઢાવી શકી નથી. જેથી આજે ફરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે વધુ રિમાન્ડની માંગ ફગાવી દીધી હતી. જેથી વસંત ગજેરાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
શહેરમાં હાલમાં બહુ ચકાચારી વેસુની ૧૦૦ કરોડની જમીન પચાવી પાડવા માટે જાણીતા ઉદ્યાગપતિ વસંત ગજેરાએ બોગસ ડોક્યુમેન્ટ બનાવી તથા ખોટા વાઉચરો બનાવી જમીન પોતાની હોવાના પુરાવા રજૂ કર્યા હતા. જો કે આ સમગ્ર કેસમાં હાઈકોર્ટે આખરે આ જમીન વજુભાઈની હોવાનું જાણી વસંત ગજેરા સામે ગુનો નોંધાવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશને પગલે ઉમરા પોલીસ મથકમાં લક્ષ્મી ડાયમંડના માલિક વસંત હીરાભાઈ ગજેરા (રહે. બંગલા નં.૧, વૃશાલનગર સોસાયટી, કતારગામ) સામે વેસુના જૂના રે.સ.નં.૪૮૨ અને નવા રે.સ.નં.૨૮૦થી નોંધાયેલી ૧૮૫૦૦ ચોરસ મીટરની જગ્યા પર કબજો જમાવવવા માટે બોગસ પુરાવા પણ ઊભા કરી કોર્ટમાં રજૂ કરી છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં વસંત ગજેરાની ઉમરા પોલીસ ગત બુધવારે જ ઘરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમા પોલીસે વસંત ગજેરાના છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ છ દિવસના રિમાન્ડ દરમ્યાન પોલીસે તેમની પુછપરછ કરી અન્ય ૧૦ વ્યક્તિઓના પણ નિવેદન લીધા હતા. જેમા પોલીસે જમીન ઉપર કબજા બાબતે રજૂ કરાયેલા વાઉચર, બિલ, આઈ.ટી ડોકયુમેન્ટને લગતા મહત્ત્વના પુરાવા પોલીસને વસંત ગજેરાના નજીકના આ વ્યક્તિઓની પૂછપરછમાં જ હાથ લાગ્યા હતા. જો કે છ દિવસના રિમાન્ડ બાદ ફરી આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી ૪ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે રિમાન્ડની માંગ ફગાવી દીધી હતી. જેથી હાલ વસંત ગજેરાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે અલગ અલગ લોકોને લીધેલા નિવેદનોના આધારે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.