નવી દિલ્હી,તા.૧૩
ઈંગ્લેન્ડની ટીમને વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ રમાયેલી ત્રણ ટેસ્ટમેચોની સિરીઝની પ્રથમ મેચમાં ચાર વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ પરાજય બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કપ્તાન નાસીરહુસૈને ટીમ મેનેજમેન્ટની ઝાટકણી કાઢી છે. તેમનું માનવું છે કે ઈંગ્લેન્ડની ટીમે વેસ્ટઈન્ડિઝને હળવાશથી લેવાની ભૂલ કરી તેનું પરિણામ ભોગવવું પડ્યું. બંને દેશો વચ્ચે રમાયેલી ગત ટેસ્ટ સિરીઝમાં વેસ્ટઈન્ડિઝે વિજય મેળવ્યો હતો અને વિઝડન ટ્રોફી ઉપર કબજો જમાવ્યો હતો. હવે સિરીઝમાં લીડ મેળવીને તેણે ટ્રોફી પોતાની પાસે જાળવી રાખવા તરફ પ્રયાણ કર્યું છે. ડેઈલી મેલના કોલમમાં કપ્તાને લખ્યું છે કે વેસ્ટઈન્ડિઝને શાનદાર પ્રદર્શન માટે સલામ છે. પણ હું ઈંગ્લેન્ડને એક સવાલ કરવા માંગું છું કે જો આ એશીઝની પ્રથમ મેચ હોત તો શું સ્ટુઅર્ટ બ્રોડને બહાર બેસાડતા. જો બ્રોડ રમી રહ્યો હોત તો કદાચ બુધવારે સ્ટોક્સે બોલિંગ પસંદ કરી હોત અને મારૂં માનવું છે કે વેસ્ટઈન્ડિઝની ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ જાત. મોકાનો ફાયદો ઉઠાવ્યો હોત તો કદાચ ઈંગ્લેન્ડ મેચ જીતી શકતું હતું.