વલસાડ, તા.૨૪
વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનની લડાઇ રંગ લાવી છે. તેમણે રેલવે તંત્રના અણધડ નિર્ણય સામે આંદોલન કરી વલસાડ લોકોશેડના ૪૩ કર્મચારીઓને પોતાના સમય કરતાં વહેલા નિવૃત્ત થતા બચાવી લીધા છે. જેના કારણે રેલવે વર્તૂળમાં યુનિયનની કામગીરીને બિરદાવાઇ રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા વલસાડ રેલવેના લોકોશેડમાં કામ કરતા કર્મચારીઓ પૈકી જે કર્મચારીની ઉમર ૫૫ વર્ષથી વધુ હોય અથવા જે કર્મચારીની નોકરી ૩૦ વર્ષથી વધુ હોય એવા કર્મચારીને રેલવે તંત્રે સમય કરતાં વહેલા નિવૃત્તિ આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના માટે રેલવે તંત્રે એક પરિપત્ર પણ પાઠવ્યો હતો. આ પરિપત્ર આવતાં જ વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનના ડિવિઝનલ જોઇન્ટ સેક્રેટરી સંજયસિંહ, વલસાડ બ્રાન્ચના સેક્રેટરી હુસેન બેલીમ, ચેરમેન રોબિનસન, જયેશ પટેલ, કિશોર પટેલ, ચેતન પટેલ,લેબીન જેકબ,તુષાર મહાજન, મુનાવર શેખ, નરેન્દ્ર રાજપૂત તેમજ અન્ય કાર્યકર્તાઓ આંદોલનમાં જોડાયા હતા. તેમણે રેલવે તંત્રને આ પરિપત્ર રદ ન કરાઇ તો રેલ રોકો આંદોલનની ચિમકી પણ આપી હતી. જેના પગલે રેલવે તંત્રમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને તેમના દ્વારા ૨૩મી નવેમ્બરના રોજ આ પરિપત્ર રદ કરી દેવાયો હતો. ત્યારે વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનને તેમના આંદોલનમાં મોટી સફળતા મળી છે. વેસ્ટર્ન રેલવે યુનિયને ભૂતકાળમાં પણ કામદારોની માંગણી અને તેમના હિત માટે ૧૬ કલાક સુધી લોકોશેડ બંધ કરાવ્યું હતુ. તેમના દ્વારા આ વર્ષે બોનસ જાહેર થયું ન હતુ, પરંતુ વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયને જ રેલવે તંત્ર સામે લડત આપી બોનસ પણ જાહેર કરાવ્યું હતુ. બોનસ જાહેર કરાવવા માટે પણ તેમણે રેલ રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારતા બીજા જ દિવસે રેલવે તંત્રને બોનસ જાહેર કરવાની ફરજ પડી હતી.