વડોદરા, તા.૮
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન (NFIR)ના ઉપાધ્યક્ષ જે. જી. માહુરકરનું રવિવારે મોડી રાત્રે ૮૬ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. રેલવે મજદૂર સંઘના અગ્રણી શરીફ ખાને જણાવ્યું હતું ક્રે, ટ્રાઈકલર હોસ્પિટલ દ્વારા સમયસર સારવાર આપવામાં ન આવતા દાદાનું નિધન થયું છે. તેમને સારવાર મળી ગઇ તો તો આજે તેઓ જીવિત હોત. ટ્રાઈ કલર હોસ્પિટલના સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, હોસ્પિટલના તબીબનો સંપર્ક થઇ શક્યોં નહોતો. જે. જી. માહુરકરના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને બપોરે અંતિમ દર્શને મુકવામાં આવ્યો હતો ત્યારબાદ અંતિમક્રિયા બહુચરાજી ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી.
રેલવે મજદૂર સંઘના અગ્રણી શરીફ ખાને જણાવ્યું હતું કે, મોડી રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યે દાદાના પરિવારમાંથી મને ફોન આવ્યો હતો. દાદાને ગભરામણ થાય છે. જેથી હું તેમના ઘેર પહોંચી ગયો હતો. તુરંત જ અમે તેઓને રેલવે સાથે ટાઇઅપ થયેલી ટ્રાઈકલર હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ૩૦થી ૩૫ મિનિટ સુધી ફરજ પરના તબીબો અને સ્ટાફ દ્વારા દાદાને હોસ્પિટલમાં દાખલ ન કરતા દાદાએ કારમાં જ અંતિમ અંતિમ શ્વાસ લીધા હતા.