(એજન્સી) તા.૧૫
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં કહ્યું હતું કે તેમની વિદેશ નીતિના ચીથરાં ઉડી ગયા છે, વિશ્વભરમાં ભારત દેશ તેનું માન અને સન્માન ગુમાવી રહ્યું છે. તેની પકડ હવે ઢીલી પડી ગઈ છે. ઈરાન અને ચીન અંગેના ચાબહાર બંદરને લગતાં સમાચારનો રિપોર્ટ ટિ્‌વટ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે વૈશ્વિક સ્તરે ભારતની વિદેશનીતિની મજાક બની ગઈ છે. આપણે સત્તા ગુમાવી રહ્યાં છીએ અને માન પણ ગુમાવી રહ્યાં છીએ. ભારત સરકારને તો આઈડિયા જ નથી કે તે હવે કરે શું? આ સમાચારમાં દાવો કરાયો હતો કે ઈરાનની સરકારે નક્કી કર્યુ છે કે અફઘાનિસ્તાનની સરહદ સાથે સંકળાયેલા ઝહાદેન સુધી ચાબહારથી રેલવે લાઈન પાથરશે. ઉલ્લેખનીય છે કે ચાબહારના પ્રોજેક્ટ માટે ભારત ફન્ડિંગ કરી રહ્યું છે. એવામાં તેના માટે આ સમાચાર નુકસાનદાયક સાબિત થઇ શકે છે. ચીન અને ભારત વચ્ચે એલએસી પર અથડામણ બાદથી રાહુલ ગાંધી અવારનવાર મોદી સરકારને આડેહાથ લઈ રહ્યાં છે.