અમરેલી, તા.૯
બગસરાના હામાપુર ગામે વાડીએથી બળદ ગાડું લઇ બાળકો સહિત એક જ પરિવારના ૭ સભ્યો ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે વાડીના વોંકળામાંથી ઘસમસ્તુ પાણી જતું હોઈ અને તે વોંકળામાંથી બળદ ગાડું કાઢવા જતા ધસમસતા વોંકળાના પાણીમાં બળદ ગાડું તણાઈ જતા ગાડામાં બેસેલ સાત જણા ડૂબવા લાગેલ હતા જેમાંથી ત્રણનો બચાવ થયેલ હતો જયારે દેરાણી જેઠાણી અને ૮ અને ૫ વર્ષના બે સગા ભાઈ બહેનના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર જિલ્લામાં અરેરાટી મચી જવા પામી છે. આજરોજ બગસરા તાલુકાના હામાપુર ગામે રહેતા ભરત નાગજીભાઈ ખાવાણી તેમજ તેમનો પરિવાર આજરોજ તેમની વાડીએથી બપોરે ઘરે જવા માટે પરિવારના સાત સભ્યો જેમાં ભરતભાઈ પોતે તેમજ તેમની પત્ની રેખાબેન (ઉવ-૪૫) તેમજ મનીષાબેન હસમુખભાઈ ખાવાણી (ઉવ-૩૨) તેમજ મનીષાબેનના પુત્રી ખુશી (ઉવ-૮) તેમજ યસ (ઉવ-૫) તેમજ નાગજી પ્રેમજીભાઈ ખાવાણી અને હસમુખ નાગજીભાઈ સહિત સાત જણા બળદ ગાડામાં બેસી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે થોડે દૂર પહોંચતા રેલીયું નામનું વોકળું પસાર થતું હોઈ તેમાં ધસમસ્તુ પાણી વહેતુ હોઈ જે પાણીમાંથી બળદ ગાડું ચલાવી રહેલ નાગજીભાઈ એ વોંકળામાંથી પસાર કરતા ગાડું પલ્ટી મારી જતા ગાડામાં બેસેલ સાતેય લોકો વોંકળામાં ડૂબવા લાગેલ હતા, જેમાંથી નાગજીભાઈ તેમજ ભરતભાઈ અને હસમુખભાઈ બચી ગયેલ હતા પરંતુ પરિવારની મહિલાઓ રેખાબેન (ઉવ-૪૫) (જેઠાણી)મનીષાબેન (ઉવ-૩૨) (દેરાણી) તેમજ મનીષાબેનની પુત્રી ખુશી (ઉવ-૮) અને પુત્ર યસ (ઉવ-૫) ડૂબી ગયેલ હતા જેના કારણે ચારેયના મોત નિપજ્યા હતા,ભરતભાઈ તેમજ તેમના ભાઈ હસમુખભાઈ પોતાની પત્નીઓને નજરે ડૂબતા જોયા હતા અને થોડી જ વારમાં બંને ભાઈઓની પત્ની અને હસમુખભાઇના બે બાળકોના મોત થયેલ હતા, જયારે એક બળદ પણ તણાઈ જતા મોતને ભેટેલ હતો. આ બનાવને લઇ બગસરા મામલતદાર આઈ.એસ.તલાટ અને ટીડીઓ પંચોલી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતકોને એબ્યુલન્સમાં પીએમ માટે બગસરા સરકારી દવાખાને ખસડેલ હતા. આ બનાવને લઇ સમગ્ર અમરેલી જિલ્લમાં અરેરાટી મચી ગયેલ હતી અને હામાપુરના ખાવાણી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયેલ હતો.