(એજન્સી) તા.૧૯
સિગ્નલ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટીવ ચેરમેન બ્રાયન એક્ટનનું માનવું છે કે યુઝર્સને ડેટા પ્રાઇવસીનું સવિશેષ મહત્વ હોય છે અને તેથી વધુને વધુ વોટ્સએપથી સિગ્નલ તરફ સ્વીચ્ડ ઓન કરી રહ્યાં છે. ઇન્ડિયા ટુડે ટેક સાથેની એક મુલાકાતમાં સિગ્નલ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટીવ ચેરમેન બ્રાયન એક્ટને જણાવ્યું છે કે જે રીતે ભારતીયો વોટ્સએપ છોડી રહ્યાં છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે તેમના માટે પ્રાઇવસી અતિ મહત્વપૂર્ણ છે. તેમણે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સિગ્નલનું ફોકસ એ ફીચર્સને ઉપલબ્ધ કરાવવામાં રહેશે કે જેની જરુર યુઝર્સને છે. વોટ્સએપ કે અન્ય કોઇ પ્લેટફોર્મ જેવા ફીચર્સ પર અમે વધુ ધ્યાન આપીશું નહીં. જ્યારે તેમને પૂછ્યું કે છેલ્લા એકાદ અઠવાડિયામાં સિગ્નલનો દબદબો જોવા મળ્યો છે ત્યારે તમે તે અંગેના કેટલાક આંકડા આપી શકશો ? તેના જવાબમાં બ્રાયન એક્ટને જણાવ્યું કે સિગ્નલ એપને ભારતમાં ખૂણે ખૂણેથી સારો પ્રતિસાદ મળ્યો છે. ૭૦ દેશોમાં આઇઓએસ એપ સ્ટોર ચાર્ટ પર અથવા એપ્લિકેશન ટોપ પર છે. ૫૦થી વધુ દેશોમાં એન્ડ્રોઇડ એપ સ્ટોરમાં લિડીંગ પોઝીશન પર છે. આજે જ અમે એન્ડ્રોઇડ પર ૫૦ મિલીયન ડાઉનલોડનો આંકડો પાર કર્યો છે અને તેમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વોટ્સએપ અને સિગ્નલ વચ્ચે તુલના થઇ રહી છે ત્યારે તમે તેને કઇ રીતે જુઓ છો ? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે સિગ્નલે પણ પોતાનું એક સ્થાન ઊભું કર્યુ છે કારણ કે યુઝર્સ તેનો ઉપયોગ કરવા માટે સૌથી સુરક્ષિત એપ્લિકેશન તરીકે સિગ્નલને જુએ છે. અમે ડેટા કલેક્ટ કરતાં નથી. આ વાત ભારત સહિત સમગ્ર વિશ્વ જાણે છે. સિગ્નલમાં એવું ક્યુ ફીચર છે જે તમારા મતે વોટ્સએપથી વધુ બહેતર છે એવા પ્રશ્નો જવાબ આપતાં બ્રાયન એક્ટને જણાવ્યું કે હાલ ભારતમાં સિગ્નલ સૌથી લોકપ્રિય અને નંબર વન એપ્લિકેશન છે. એટલે કે દેશ માટે પ્રાઇવસી વધુ જરુરી છે. બીજી મેસેજીંગ એપ્લિકેશનની તુલનાએ પ્રાઇવસી એ જ અમારી સૌથી મોટી ખુબી છે. અમે ઇચ્છીએ છીએ કે તમારો ડેટા તમારી પાસે જ રહે. અહીં કોઇ એડ, કોઇ ટ્રેકર અને એનાલિટીક્સ નથી. સિગ્નલ સ્ટેટ ઓફ ધ આર્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે અને તેથી એ તમારા મેસેજ વાંચી શકતું નથી કે ફોટો પણ જોઇ શકતું નથી કે ન તો તમારા કોલ્સને સાંભળી શકે છે. આ ફીચર્સ ભારતીય યુઝર્સ માટે સૌથી મહત્વપૂર્ણ છે. તે બતાવે છે કે ભારતીયો માટે પ્રાઇવસી એક મહત્વપૂર્ણ મુદ્દો અને બાબત છે. બીજું અમે એપ્લિકેશનમાં ગુજરાતી, હિંદી, કન્નડ, મલિયાલમ, મરાઠી, પંજાબી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ જેવી કેટલીય ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરીશું અને સાથે જ નોટ ટુ સેલ્ફ જેવા કેટલાક અલગ ફીચર્સ પણ જોવા મળશે.
Recent Comments