(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૨
વડોદરા શહેરની કારેલીબાગ વિસ્તારમાં આવેલ માનસિક રોગની સારવાર હોસ્પિટલમાં દાખલ ૨૭ વર્ષના યુવાને સારવાર દરમ્યાન હોસ્પિટલનાં વોર્ડ રૂમનાં બાથરૂમમાં ચાદર વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે હોસ્પિટલના સત્તાધીશોએ કારેલીબાગ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે દર્દીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મેન્ટલ હોસ્પિટલમાં ભરૂચ જિલ્લાનાં ભોલાવ ગામે ઇન્દીરા આવાસમાં રહેતા પરેશ ગોવિંદ પરમાર (ઉ.વ.૨૭) નાને માનસિક રોગની બિમારીને કારણે દાખલ કરવામાં આવ્યો હતો. તેની સારવાર ચાલી રહી હતી અને તે વોર્ડ નં.એમ.૪મા રાખવામાં આવ્યો હતો. સોમવારે મોડીરાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેને વોર્ડ રૂમના બાથરૂમમાં જઇને ચાદર વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. આ બનાવને પગલે હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
જોકે આ બનાવ બાદ હોસ્પિટલના સત્તાધીશો સામે રાત્રીના સમયે વોર્ડ એન્ટેન્ડન્ટ સહિતના અનેક સવાલો ઉભા થયા છે. જોકે હોસ્પીટલના સત્તાધીશોએ આ બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.