(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૨
કોઈ પૂર્વ અટોર્ની પોતાના અનુગામીની આલોચના કરે એ ભાગ્યે જ બંને છે પણ પૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ હાલના એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલ માટે કહ્યું કે વેણુગોપાલે હાસ્ય કલાકાર કુણાલ કામરા સામે એમના ટ્‌વીટો બદલ અવમાનનાનો કેસ ચલાવવા માટે પરવાનગી આપી ખોટું કર્યું એ એમની ભૂલ છે. એમણે ફરીથી એવી જ ભૂલ કરી રચિત તનેજા સામે એમના દોરેલ કાર્ટૂનોના લીધે અવમાનનાનો કેસ ચલાવવા પરવાનગી આપી હતી. રોહતગીએ કહ્યું કે, વેણુગોપાલે પરવાનગી આપવી જોઈતી ન હતી. લોકો પોતાના વિચારો વ્યક્ત કરવા સ્વતંત્ર છે. ખરી રીતે આવા મામલાઓની નોંધ લઇ તમે એ લોકોને વધુ મહત્ત્વ આપો છો જેમના માટે તેઓ યોગ્ય નથી. રોહતગીએ કામરાના ટ્‌વીટો બદલ કહ્યું કે તેઓ સારા નથી જ પણ તેઓ કોર્ટની અવમાનના નથી. આ નોંધ લેવા માટે ખૂબ નાનો મુદ્દો છે. કામરાના ટ્‌વીટથી ફલિત થાય છે કે સુપ્રીમ કોર્ટ સ્વતંત્ર નથી અને ફક્ત ભાજપના લાભ માટે જ કાર્ય કરે છે. રોહતગીએ કહ્યું મને આ ટ્‌વીટોમાં કોર્ટની અવમાનના જણાતી નથી, ભલે એ ખોટા જ છે. આવી વાતો તરફ વધુ ધ્યાન આપવાની જરૂર નથી. એમણે કહ્યું કે મોટા ભાગે લોકો રાજકારણીઓ અને અધિકારીઓને ભ્રષ્ટાચારી કહે છે અને કોર્ટો માટે પણ આમ જ કહે છે. આ બાબતોમાં કોર્ટના ખભાઓ વધુ પહોળા હોવા જોઈએ. રચિતા તનેજા બાબતે એમણે કહ્યું કે એમના કાર્ટૂનો અવમાનના નથી પણ વ્યંગ છે. આ બાબતે વેણુગોપાલે કહ્યું હતું કે એમના કાર્ટૂનોથી આભાસ થાય છે કે સુપ્રીમ કોર્ટ ભાજપના કહેવાથી અર્નબની તરફેણ કરે છે અર્થાત સુપ્રીમ કોર્ટ ઉપર ભાજપનું વર્ચસ્વ છે. આના લીધે સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા ઓછી થાય છે. રોહતગીએ કહ્યું કે હું વેણુગોપાલ સાથે સંમત નથી. રોહતગીએ કહ્યું કે અવમાનના ત્યારે ગણી શકાય જ્યારે કોઈ કૃત્ય કરવાથી કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ પડે. તેમ છતાંય અવમાનનાના પગલા લેવા હું સંમત નથી.