(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બંધારણના અનુચ્છેદ ર૧માં અપાયેલ સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર અપાયેલ છે એ અધિકારમાં પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર પણ સમાવિષ્ટ છે. સુપ્રીમ કોર્ટે કેરાલા હાઈકોર્ટનું ર૦૧૩નો ચુકાદો રદ કર્યો જેમાં હાઈકોર્ટે ધર્મપરિવર્તન કરાયેલ હાદિયા અને શફીન જહાંના લગ્નને ગેરકાયદેસર જણાવી રદ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે એ સાથે એનઆઈએને પોતાની તપાસ ત્રાસવાદનો દૃષ્ટિકોણ રાખી તપાસ ચાલુ રાખી શકે છે પણ એમાં એમના લગ્ન જીવનને અંતરાય થવું નહીં જોઈએ.
આમ તો સુપ્રીમ કોર્ટે ૮મી માર્ચે જ ચુકાદો જાહેર કર્યો હતો. પણ કહ્યું હતું કે, વિગતવાર ચુકાદો પછીથી જાહેર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આજે વિસ્તૃત ચુકાદો જાહેર કરી હાદિયા અને શહીનના લગ્નને કાયદેસર જાહેર કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર છે જેમાં ધર્મ અને સમાજને અવરોધ ઊભા નહીં કરવા જોઈએ. પસંદગીનો ધર્મ પાછળા માટે બંધારણમાં અધિકાર અપાયેલ છે. જેથી હાદિયાનું ધર્મપરિવર્તન યોગ્ય છે, એમણે પોતાની ઈચ્છાથી મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો છે જે માટે એને રોકી શકાય નહીં.
એ જ રીતે લગ્ન કરવાનો પણ અધિકાર પસંદગી ઉપર આધારિત છે. રાજ્ય અથવા સમાજ કોઈ વ્યક્તિને દબાણ કરી શકે નહીં કે તમે અમુક વ્યક્તિ સાથે લગ્ન કરો અથવા નહીં કરો. લગ્ન કરવાનો અધિકાર બંધારણના મૂળભૂત અધિકાર સ્વતંત્ર જીવન જીવવાના અધિકાર જે અનુ ર૧માં અપાયેલ છે એનો ભાગ છે. જેથી એ અધિકારના ઉપયોગ માટે પણ વ્યક્તિને સરકાર અથવા સમાજ રોકી શકે નહીં.
હાઈકોર્ટે એમના લગ્ન રદ કરવા માટે સમાજ અને એમના માતા-પિતાની ઈચ્છાને વધુ મહત્ત્વ આપ્યું છે અને બંધારણની જોગવાઈઓને અવગણ્યું છે. બે વ્યક્તિઓના લગ્નમાં સમાજની મંજૂરી નહીં હોવાથી એ લગ્ન ગેરકાયદેસર બની જતા નથી. સામાજિક મૂલ્યો અને નીતિઓનું મહત્ત્વ હોવું જોઈએ એને નકારી શકાય નહીં. પણ મૂલ્યો અને નીતિઓ વ્યક્તિગત સ્વતંત્રતાથી ઉપરવટ હોવા નહીં જોઈએ.
કોર્ટે કહ્યું કે હાદિયાના પિતા હઠાગ્રહી છે જે પોતાની પુત્રીને પોતાને પસંદ નહીં હોય એ વ્યક્તિ સાથે લગ્ન કરવાની પરવાનગી આપવા ઈચ્છતા નથી. આમેય આપણા દેશમાં માતા-પિતા પુત્રીને જંગમ મિલકત જ સમજે છે અને છોકરીઓની પસંદગી નાપસંદગીની દરકાર કરતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે હાદિયા સાથે વાતચીત કરી હતી અમને જરાય એવું જણાયુ ંન હતું કે એ પરિપક્વ નથી અને પોતાના નિર્ણયમાં ભૂલ કરી રહી છે. અમારી ફરજ એ છે કે લોકોના બંધારણીય અધિકારો સચવાય એ રીતે અમારે નિર્ણયો કરવાના છે. અખિલા ઉર્ફે હાદિયાએ મુસ્લિમ ધર્મ પરિવર્તન કરી જહાં સાથે લગ્ન કર્યા હતા. એમના પિતાએ આક્ષેપ મૂક્યા હતા કે જહાંના સંબંધો ત્રાસવાદીઓ સાથે છે જેથી એ લગ્નની વિરૂદ્ધ હતા. એમણે હાઈકોર્ટમાં લગ્નને આ મુદ્દે પડકાર્યો હતો અને કેરાલા હાઈકોર્ટે લગ્ન રદ કર્યા હતા જે પછી હાદિયાના પતિએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.