અમદાવાદ,તા. ૭
શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ અને માફિયાગીરી વધતા જાય છે. અવારનવાર વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરતાં લોકોમાં વધુ એક ઉમેરો થયો છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા હસમુખભાઇ પટેલ નામના એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યું હતું. વેપારીએ મરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં મારી જેમ બીજાનું ઘર બરબાદ ના થાય તે માટે વ્યાજખોરોને સજા અપાવવા વેદના ઠાલવી હતી. રામોલ પોલીસે આ સમગ્ર મામલામાં જરૂરી ગુનો દાખલ કરી વ્યાજખોરો વિરૂધ્ધ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વસ્ત્રાલ વિસ્તારમાં સહજ રેસીડેન્સીમા રહેતા ફરિયાદી સુરેશભાઇ બાબુભાઇ પટેલના નાના ભાઇ હસમુખભાઇ પટેલ આ જ વિસ્તારમાં આવેલ નૈયા રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા હતા. હસમુખભાઇએ હરદીપ(રહે.અર્બુદાનગર) નામના શખ્સ પાસેથી હસમુખભાઇએ દસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા પરંતુ બાદમાં હરદીપ દ્વારા હસમુખભાઇ પાસેથી રૂ.૫૦ હજારની માંગણી કરવામાં આવતી હતી. તા.૩૧મી જાન્યુઆરીએ હરદીપ તેના માણસો લઇને આવ્યો હતો અને હસમુખભાઇને ધમકી આપીને ગયો હતો. થોડા દિવસ પહેલાં હસમુખભાઇ પૈસાની ઉઘરાણીનું કહીને ઘેરથી નીકળ્યા હતા પરંતુ બાદમાં નર્મદા કેનાલમાંથી તેમની લાશ મળી હતી. હસમુખભાઇના ખિસ્સામાંથી આધારકાર્ડ, મોબાઇલ ફોન અને સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેના આધારે પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. સ્યુસાઇડ નોટમાં હસમુખભાઇ હરદીપ અને તેના માણસોના માનસિક શારીરિક ત્રાસ અને ધમકીઓથી તંગ આવીને આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આવું બીજા કોઇ સાથે ના થાય અને બીજાનું જીવન બરબાદ ના થાય તે માટે તેને સજા અપાવવા પણ તેમણે સ્યુસાઇટ નોટમાં માંગ કરી હતી. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે આરોપી હરદીપ તથા અન્ય સંડોવાયેલા લોકો વિરૂધ્ધ આ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.