(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૭
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો ઉઠવા પામી છે. તો કેટલીક જગ્યાઓએ વ્યાજખોરોથી કંટાળીને કેટલાક લોકોએ આપઘાત કરી લીધાના બનાવ પણ બન્યા છે. એટલે રાજ્યના ડીજીપીએ વ્યાજખોરો સામે લાલ આંખ કરી વ્યાજખોરો ઉપર મની લેન્ડર્સ એકટ હેઠળ કડક કાર્યવાહી કરવા ડીજીપીએ પરિપત્ર કરીને રાજ્યની કમાન પોલીસને આદેશ કર્યો છે. ઉપરાંત નવા ગુંડા એકટ અને પાસા એકટમાં પણ વ્યાજખોરીના ગુનાનો સમાવેશ કરાયો હોવાથી વ્યાજખોરો સામે પાસા સહિતની જોગવાઈઓનો ઉપયોગ કરવા પણ ડીજીપી આશિષ ભાટીયાએ સુચના આપી છે.
રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે હાલમાં જ સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે. આ અનુસંધાને વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે થતી લોકોની કનડગત સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનુ ધીરાણ કરીને, બાદમાં ધીરવામાં આવેલા નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસૂલવા માટે ધાક -ધમકી આપી બળજબરી કરવામાં આવતી હોવાના ઘણા બનાવો બને છે. ઘણી વખત દેણદારની મિલ્કત પણ બળજબરીથી લખાવી લેવામાં આવે છે. પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. આ બદીને ડામવા માટે એક ખાસ આદેશ કરીને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા તમામ જીલ્લા/શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા જણાવ્યું આવેલ છે. બળજબરીથી નાણાં વસુલ કરનારાઓ સામે ગુના દાખલ કરીને, સત્વરે આરોપીઓની પુરાવા આધારે ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યો છે કે જેથી આરોપી દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે/રાહત મેળવી લેવાની શક્યતા નકારી શકાય. ઘણી વખત વ્યાજખોરો દ્વારા વ્યાજના નાણાની અવેજમાં દેણદારોની મિલકત પણ પડાવી લેવામાં આવતી હોય છે. આવા બનાવોમાં મનીલોન્ડર્સ એક્ટ હેઠળ રજીસ્ટ્રાર દ્વારા આવી મિલકત વ્યાજખોરો પાસેથી કબ્જે કરીને મૂળ માલીકને પરત અપાવવાની જોગવાઇ છે. આ જોગવાઇ સંદર્ભે પણ રજીસ્ટ્રાર મારફતે કાર્યવાહી કરાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આવા આરોપીઓ સામે PASA  The Prevention of Money Laundering Act (PMLA) હેઠળ પણ કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેથી આવા આરોપીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિને પણ ટાંચમાં લઇ શકાય. આવા આરોપીઓનું લીસ્ટ બનાવીને તેમની ગતિવિધી ઉપર વોચ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે.