(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
તાપી-વ્યારાના ઇન્દુ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ પર અચાનક ટેમ્પો આડે આવી જતા બાઇક અને કારને અડફેટમાં લેતા બાઇક પર સવાર બે ઇસમોમાંથી એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઇવે પર વ્યારાના ઇન્દુ ગામ પાસે અચાનક આઇસર ટેમ્પો ત્રણ રસ્તા ઉપર આવી પહોંચતા ટેમ્પામાં કાર ચાલક અને બાઇક બંને એક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ સર્જાયેલા અકસ્માતમાં બાઇક ઉપર રહેલ બે ઇસમોમાંથી એક ઇસમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને કાર ચાલક સહિત કારમાં રહેલ લોકોને પણ નાની મોટી ઇજાઓ થતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ટેમ્પો ચાલક અકસ્માત સર્જાતા ટેમ્પો સ્થળ ઉપર છોડી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ કાકરાપાર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. વ્યારાથી જઇ રહેલી કારમાં કેમેરો ચાલુ હતો અને સમગ્ર રસ્તાનું શુટીંગ ચાલતું હતું. આ દરમિયાન અચાનક સર્જાયેલા અકસ્માતમાં બધા જ દ્રશ્યો કેદ થઇ ગયા હતા. હીચકારા દૃશ્યોને કબજે લઇને પોલીસે વિડીયોના આધારે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.