(એજન્સી) તા.૧૦
વ્યૂહાત્મક શસ્ત્રોમાં સારી એવી પ્રગતિ કરવા છતાં પાયાના ઉપકરણો અને શસ્ત્ર સરંજામ માટે ભારત મેક ઇન ઇન્ડિયા ટેસ્ટમાં નિષ્ફળ ગયું છે. ટેકનોલોજીકલ સિદ્ધિઓ ઉપરાંત ભારત ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચેના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સૌથી વધુ શસ્ત્રોની આયાત કરનારા વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન બીજું જોવા મળ્યું છે.
આમ ચીનના સૈન્ય પીએલએ દ્વારા ઝળુંબી રહેલા ખતરાનો મુકાબલો કરવા માટે દારુગોળો, મિસાઇલ્સ, વિસ્ફોટકો અને ઊંચાઇએ યુદ્ધ માટેના સાધનોની જંગી આયાતને ધ્યાનમાં લેતાં ભારત પોતાને વિશ્વ સત્તા તરીકે હોવાનો જે દાવો કરે છે તેને સુસંગત નથી. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતે અનેક ક્લબમાં ખાસ કરીને લશ્કરી, વ્યૂહાત્મક અને અંતરીક્ષ ક્ષેત્રમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેમ કે ૧૯૭૪માં પીસ ફુલ ન્યૂક્લિયર એક્સપોઝન (પીએનઇ) સાથે વિશ્વના છ અણુશસ્ત્રો ધરાવતા દેશોમાં ભારતને સ્થાન પ્રાપ્ત થયું હતું.
એ જ રીતે ૨૦૧૨માં સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ અગ્નિ-૫ ઇન્ટરમિડીયેટ રેંજ બેલિસ્ટીક મિસાઇલના સફળતાપૂર્વક પરીક્ષણ સાથે ભારતને મિસાઇલ ક્લબમાં પણ સ્થાન પ્રાપ્ત થયું હતું અને બ્રિટન, ચીન, ફ્રાંસ, રશિયા અને અમેરિકા જેવા સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના સભ્ય રાષ્ટ્રોની બનેલી મિસાઇલ ક્લબમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. માર્ચ, ૨૦૧૯માં ભારત વિશ્વમાં એવો ચોથો દેશ હતો કે જેણે સ્વદેશી રીતે નિર્મિત એન્ટિ સેટેલાઇટ (એ સેટ) મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતું. એ જ રીતે અંતરીક્ષ ક્ષેત્રમાં પણ ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે તેમ છતાં ભારત સુરક્ષા દળો માટે જરુરી શસ્ત્ર સરંજામની બાબતમાં પગભર બન્યું નથી અને હજુ પણ મોટા પાયે આયાત કરે છે.