જોહાનીસબર્ગ,તા. ૨૦
શરૂઆતની બન્ને ટેસ્ટ મેચ હારી ગયા બાદ વ્હાઇટવોશથી બચવા માટે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હવે તમામ પ્રયાસ કરનાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ ભારતીય ટીમમાં ધરખમ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રોહિત શર્માને પણ પડતો મુકવામાં આવે તેવી શક્યતા છે. ટીમમાં રહાણેનો સમાવેશ કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. ૨૪મી જાન્યુઆરીથી જોહાનીસબર્ગ ખાતે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હજુ સુધી ૩૪ ટેસ્ટ મેચ રમી છે. ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હોય તેવો દાખલો એક પણ વખત બન્યો નથી. રહાણેને શરૂઆતની બે ટેસ્ટમાં સામેલ કરવામાં ન આવતા વિરાટ કોહલીની વ્યાપક ટિકા થઇ હતી. હવે તેની એન્ટ્રી ટીમમાં થઇ રહી છે. પુજારા પણ સમગ્ર શ્રેણીમાં ફ્લોપ રહ્યો છે. આફ્રિકાના બોલરો સામે રમવા માટે નવી રણનિતી પર કામ કરવામાં આવી રહ્યુ છે. મુરલી વિજય, કેએલ રાહુલ પણ ફ્લોપ રહ્યા છે. ખાસ વિશેષતા એ છે કે, આફ્રિકાના બેટ્‌સમેનો પણ બંને ટેસ્ટ મેચોમાં ભારતીય બોલરો સામે ટકી શક્યા નથી પરંતુ ભારતીય બેટ્‌સમેનો આફ્રિકાના બેટ્‌સમેનો કરતા પણ વધારે નિષ્ફળ રહ્યા છે.