(એજન્સી) તા.૧૩
રાષ્ટ્રીય સ્વયં સેવકના અધ્યક્ષ મોહન ભાગવતે દાવો કર્યો હતો કે સંઘના સ્વયંસેવકો ત્રણ દિવસની અંદર ભારતની સરહદોની સુરક્ષા માટે તૈયાર થઈ શકે તેટલી તાલીમ ધરાવે છે. ભાગવતે તેમના દાવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રશિક્ષણની સરખામણી ભારતીય સશસ્ત્ર દળોના જવાનો દ્વારા છથી સાત મહિના સુધી લેવાતી શિસ્તબદ્ધ તાલીમ સાથે કરી છે. ૧૧ ફેબ્રુઆરીના દિવસે બિહારમાં આરએસએસ કાર્યકરોની બેઠકમાં ભાગવતે આ દાવો કર્યો હતો. તેમણે આમ પણ કહ્યું હતું કે આરએસએસ એક પારિવારિક સંગઠન છે તે અર્ધલશ્કરી દળ નથી. પરંતુ જો બંધારણ પરવાનગી આપે તો તે રાતોરાત સેનામાં રૂપાંતરિત થઈ શકે છે. સંઘ પ્રમુખે કહ્યું હતું કે આરએસએસ સૈન્ય જવાનને ત્રણ દિવસમાં તૈયાર કરી શકે છે જ્યારે સેનાને આ કામ માટે છથી સાત મહિના જેટલો સમય લાગે છે. આ અમારી ક્ષમતા છે. સ્વયંસેવકો દેશની સરહદો સંભાળવા માટે તૈયાર છે. સંઘની શક્તિ અને ક્ષમતા બતાવવામાં ભાગવતે અતિશ્યોક્તિ કરી હતી. પ્રશ્ન એ છે કે કેવી રીતે કોઈ સંશોધિત અને પરીક્ષણ કરાયેલી મહિનાઓ અને વર્ષોની સખત તાલીમમાં ફેરબદલી કરી શકે. આ બુદ્ધિથી વિપરીત વાત છે. સશસ્ત્ર દળોની તાલીમમાં અતિ તીવ્રતા ધરાવતા ખતરનાક કાર્યો કરવામાં આવે છે. જેમાં અવરોધોને પાર કરવા, સશસ્ત્ર યુદ્ધનું પ્રશિક્ષણ, ગુપ્ત અને માહિતી વિશેની કવાયતનો સમાવેશ થાય છે જ્યારે આરએસએસના સ્વયંસેવકો લાકડીઓ વડે તાલીમ મેળવે છે. સશસ્ત્ર દળોના જવાનો કૃત્રિમ કવાયત યોજે છે. જેમાં જુદી જુદી હવામાનની પરિસ્થિતિએ, ખાસ પ્રકારે રચવામાં આવેલા માળખાઓનો સમાવેશ થાય છે. જ્યારે આરએસએસની કવાયત અખાડા જેવી દેખાય છે.