અમદાવાદ, તા.૩

વ્હેમની કોઈ દવા નથી આ વાત તદ્દન સાચી છે. કેમ કે, જેને વ્હેમ હોય તે જલ્દી જાય નહીં. આવો જ એક વ્હેમનો કિસ્સો અમદાવાદમાં બન્યો છે જેમાં વ્હેમીલા પતિએ પત્નીને જ કહી દીધું કે, ‘તારે બીજા સાથે લફડું છે તો તેને લઈને ભાગી જા’ જેને પગલે પત્નીએ જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. વિગતવાર વાત કરીએ તો અમરાઈવાડીમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા સિલાઈ કામ કરે છે. આ મહિલાના વર્ષ ૧૯૯૫માં લગ્ન થયા હતા અને તેના પરિવારમાં પતિ અને ત્રણ પુત્રીઓ છે જેમાંથી એક મોટી પુત્રીના લગ્ન થઈ ગયા છે. જ્યારે આ મહિલાને બીજી પુત્રી જન્મી ત્યારે પતિએ પુત્ર જોઈતો હતો તેમ કહી મહેણાં માર્યા હતા. થોડા સમય પહેલાં પુત્રીના લગ્ન થયા ત્યારે મહિલાના પિયરમાંથી કોઈએ મામેરૂં કર્યું ન હતું જેથી મહિલાનો પતિ અવાર-નવાર કહેતો કે, તારી સાથે લગ્ન કર્યા એના કરતા બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા હોત તો ઘરમાં બહુ બધું આવતું. જો કે, પુત્રીઓ રખડી ના પડે તે માટે મહિલા આ ત્રાસ સહન કરતી હતી. ઘરમાં ન રાખવા માટે કહીને મહિલાનો પતિ શંકા રાખતો અને જેની સાથે અફેર હોય એની સાથે ભાગી જા તેવું પણ કહેતો હતો. એકાદ અઠવાડિયા પહેલાં જ્યારે પતિનો ફોન આ મહિલાએ જોયો તો તેમાંથી અન્ય સ્ત્રી સાથે તેના પતિના સંબંધ હોવાના પુરાવા મળ્યા હતા જેથી આ મહિલાએ પતિને આ વાત કરતા તે આવેશમાં આવી ગયો હતો. આખરે કંટાળીને મહિલાએ તેના પતિ સામે ફરિયાદ આપતા અમરાઈવાડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.