(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
પોઈન્ટ બ્લેન્ક રેન્જથી બિલ્લાને ઠાર કરવાની ઘટનામાં વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા જ મુખ્ય સુત્રધાર હોવાનો પોલીસે ધડાકો કર્યો છે. તાજેતરમાં જ બદરી લેસવાલાએ નવસારી કોર્ટ સમક્ષ આગોતરા જામીનની માગણી કરી હતી.
વિગતો અનુસાર બેગમપુરા સ્થિત અબજો રૂપિયાની જમીનના વિવાદમાં ઝાંપાબજારમાં રહેલા કોથમીરના વેપારી વસિમ ઉર્ફે બિલ્લાએ વ્હોરા સમાજના અગ્રણી અને સુરતના ટોચના બિલ્ડરો પૈકીના એક એવા બદરી લેસવાલાને જાહેરમાં લાફો ચોડી દીધો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા અને વ્હોરા સમાજે પણ વસિમની સામે બાયો ચઢાવીને બદરી લેસવાલાને છેવટ સુધીનો સપોર્ટ કર્યો હતો. આ મામલો કોર્ટ સમક્ષ પહોંચ્યા પછી વસિમને સુરતની હદ છોડવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો જેથી વસિમે નવસારીને આશ્રય સ્થાન બનાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન અનેકવાર સમાધાનના પ્રયાસ થયા હતા પરંતુ બદરીએ કોઈપણ પ્રકારના સમાધાનનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલામાં સંસ્થા સાથે સંકળાયેલા સેવાભાવી કાર્યકરો તેમજ ભાઈલોગની કેટેગરીમાં આવતા અનેકે બદરી લેસવાલાને સમજાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તમામના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.
આ બધા પ્રયત્ન વચ્ચે વસિમની મુદ્દત પુર્ણ થતી હોવાથી સુરત સ્થાથી થવા માટે થનગની રહ્યો હતો પરંતુ ૨૨મી જાન્યુઆરીએ નવસારીમાં વસિમ પર અંધાધુંધ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે મુસ્તન ઉર્ફે મામા અલીહુશૈન ડોડિયા તેમજ શાર્પ શૂટર કુત્બુદ્દીન અસગરઅલી વ્હોરા, સાકીબઅલી સાજીદઅલી રંગરેજની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયગાળા દરમિયાન બદરી લેસવાલાની સંડોવણી પર સતત સસ્પેન્સ જારી રહ્યું હતું. પરંતુ તાજેતરમાં જ બદરીએ નવસારી કોર્ટ સમક્ષ આગોતરા જામીન મેળવવા પ્રયાસ કરતા પોલીસે તેને આગોતરા જામીન ન મળે તે માટે એફિટેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરી છે. આ મામલામાં બદરીએ જ મુસ્તનને વાત કરીને આગળની કાર્યવાહી કરવા મંજૂરી આપી હતી. બિલ્લાને પતાવી દેવા માટે ૧૦ લાખમાં સોપારી આપવાનું પણ બદરીએ જ મુસ્તનને કહ્યું હતું. આ તમામ હકીકતની મુસ્તને કબૂલાત કરી લેતાં બદરીની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. રાજસ્થાનના ગલિયારાકોટ ખાતે આવેલી વ્હોરા ધર્મગુરૂની મઝાર પર આવા ખુની ખેલને અંજામ સુધી પહોંચાડવાનો કારસો ઘડવામાં આવ્યો હતો જેને પગલે બદરી સામે સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.