(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
ગુજરાત એનસીપીના અધ્યક્ષ તરીકે જયંત પટેલ ઉર્ફે બોસ્કીની નિમણૂંકથી નારાજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી રાજીનામું આપી દેતાં હવે કયા પક્ષમાં જશે કે કયો નવો પક્ષ રચશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. જાણવા મળ્યા મુજબ શંકરસિંહ વાઘેલા હવે ‘‘પ્રજા શક્તિ મોરચો’’ નામની નવી પાર્ટી બનાવે તેવી ચર્ચા વહેતી થઈ છે. જનસંઘથી શરૂ કરી એનસીપી સુધી લાંબી રાજકીય કારકિર્દીમાં શંકરસિંહ વાઘેલાએ અનેક રાજકીય પાર્ટીઓનો સહારો લીધો હતો. જનસંઘમાંથી ભાજપમાં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ભાજપને રાષ્ટ્રીયસ્તરે ઓળખ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર શંકરસિંહ વાઘેલાએ પોતાનો માતૃપક્ષ ભાજપ છોડવામાં પણ જરાપણ ખચવાટ અનુભવ્યો ન હતો. ત્યારબાદ રાજપાની સ્થાપના કરી હતી ત્યાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં તો તેઓ કેન્દ્રીય કાપડ મંત્રી પણ બન્યા હતા. જો કે, ર૦૧૭ની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને પણ અલવિદા કરી જનવિકલ્પ નામના પક્ષની રચના કરી હતી. જો કે, જન વિકલ્પને પણ પ્રજાનો વિકલ્પ ન મળતા ગત વર્ષે તેઓ એનસીપીમાં જોડાયા હતા પરંતુ એનસીપીમાં ચાલતા પોલિટીક્સથી નારાજ થઈ રાજ્યસભાની ચૂંટણીમાં જે પ્રમાણે ભાજપમાં વોટ ગયો તેને કારણે તેમણે એનસીપી પણ છોડવાનો નિર્ણય લઈ આજે રાજીનામું ધરી દીધું છે. શંકરસિંહ વાઘેલા સાથે એનસીપીના પ્રવકતા પાર્થેશ પટેલ સહિત ૧પ હજાર જેટલા કાર્યકરોએ પણ રાજીનામાં ધરી દીધા છે. હવે શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં આગામી સમયમાં પ્રજા શક્તિ મોરચો શરૂ કરશે. જો કે, આગામી ચૂંટણીઓમાં ઝંપલાવવું કે કેમ ? તે અંગે આગામી દિવસોમાં નક્કી કરાશે.