(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
ગુજરાતમાં એનસીપીના પ્રમુખ પદે પુનઃ જયંત પટેલ (બોસ્કી)ની નિમણૂકથી અહમ ઘવાતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હવે એનસીપી સાથે પણ છેડો ફાડી એનસીપીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હોવાની જાહેરાત કરી હતી. તેમની સાથે એનસીપીના કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે પણ એનસીપીમાંથી રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ એનસીપીના તમામ પદેથી રાજીનામું આપી દીધું હોવાની વાત કરતા જણાવ્યું કે, હું કાર્યકારી અધ્યક્ષ બબલદાસભાઈ અને કાર્યકરોનો આભાર માનું છું. મને તમામ લોકોએ ખૂબ જ સારી રીતે ઘડ્યો છે, અમે આગામી દિવસમાં નિર્ણય લઈશું. અમે સાથે રહેવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, શરદ પવાર અને પ્રફુલભાઈ સાથે મળીને હું એનસીપીમાં જોડાયો, પણ એમાં પણ જ્યારે મેચ ફિક્સિંગ આવે, ત્યારે મારે પાર્ટી છોડવાનો નિર્ણય લેવો પડ્યો છે. તેમણે ઈશારા ઈશારામાં વાત કરતા જણાવ્યું હતું કે, આજકાલ લોકો ભાજપમાં જાય છે, જે એક ગયા હજુ બે જશે મેં કોંગ્રેસને આજે પણ કહ્યું છે. મેચ ફિક્સિંગ થાય ત્યાં ન રહેવાય. પણ મારૂં કોઈએ ના સાંભળ્યું. ગુજરાતમાં ભાજપને લાવવાનો સિંહફાળો મારો છે મને સત્તાની કોઈ લાલચ નથી. પરંતુ હવે જે વિધિ કરવાની હશે તો હું જલ્દી જ કરીશ. સત્તા સામે પડવા બેદાગ રહેવું પડે. ઈડી અને સીબીઆઈ કે પોલીસથી ડરાય નહીં, અમે સમાજના ડૉક્ટર છીએ રખડતો નથી આવ્યો. પ્રજાનું ભલું કર્યું છે. પત્રકાર પરિષદમાં પત્રકારોના પ્રશ્નના ઉત્તર આપતા-આપતા તેમણે જણાવ્યું હતું કે, જૂનો દારૂ, જૂનો ડૉક્ટર અને જૂનો રાજકારણી સારો. દિલ્હીવાળાનો જીવ ગુજરાતના પોપટમાં છે તેમ કહી કેન્દ્રની ભાજપ સરકારને પણ આડે હાથ લીધી હતી અને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૭,૦૦૦ ગામડાઓ ફરી લોકોની વચ્ચે જઈ જે ભાજપનો પાયો મેં નાખ્યો હતો તેને હવે હચમચાવવાની શરૂઆત કરી હોવાની રાજકીય ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, આવનાર સમયમાં મહાનગરપાલિકા, તાલુકા પંચાયત સહિત ૧૨ વિધાનસભાની પેટાચૂંટણી લડવાનો વિચાર અત્યારથી જ જાહેર કર્યો હતો. એટલે કે, વિધાનસભાની કુલ ૧ર બેઠકો ખાલી પડશે તેવી ભવિષ્યવાણી કરી હતી.