(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
શંભુલાલ રેગરનો લક્ષ્ય એક અન્ય મુસ્લિમ હતો પણ એમણે રાજસમંદમાં છઠ્ઠી ડિસેમ્બરે મોહમ્મદ અફરાઝુલની હત્યા કરી હતી એમ પોલીસે જણાવ્યું હતું.
મળતા સમાચારો મુજબ પૂછપરછ દરમિયાન રેગરે કબૂલ્યું હતું કે ૪૮ વર્ષીય મજૂર અફરાઝુલ એમનો લક્ષ્ય ન હતો પણ એની હત્યા ભૂલથી કરાઈ હતી. એનો ઉદ્દેશ્ય અન્ય એક મજૂર અજ્જુ શેખની હત્યા કરવાનો હતો.
રેગર અજ્જુ શેખની હત્યા કરવા ઈચ્છતો હતો કારણ કે એ એક છોકરીના સંપર્કમાં હતો જેને રેગર પોતાની બહેન માનતો હતો પણ પોલીસે જણાવ્યું કે અમને શંકા છે કે રેગર પોતે એ છોકરીના પ્રેમમાં હતો.
પોલીસના જણાવ્યા મુજબ શંભુએ અજ્જુ સાથે ફોન ઉપર વાત પણ કરી હતી પણ રૂબરૂમાં એને ઓળખી શક્યો ન હતો.
અજ્જુને શોધવા એ ઝાલચક્કી માર્કેટ ગયો હતો પણ એને મળી શક્યો નહીં એ પછી એક અન્ય મજૂર પાસેથી અજ્જુનો ફોન નંબર માંગ્યો. બીજા મજૂરે વિચાર્યું કે મારી સમજમાં ભૂલ થઈ હતી અથવા શંભુને કોઈ કામ હશે તો એમણે અફરાઝુલની મદદ કરવાના ઉદ્દેશ્યથી અફરાઝુલનો નંબર આપ્યો.
પમી ડિસેમ્બરે રેગરે અફરાઝુલને ફોન કરી જણાવ્યું કે એમને ઘરે કામ છે એથી એ એની સાથે મળવા ઈચ્છે છે.
જે દિવસે ગુનો બન્યો એ દિવસે રેગરે અફરાઝુલને પકડ્યું અને થોડી જ ક્ષણોમાં એની હત્યા કરી. રેગરે અફરાઝુલ સાથે ચા પણ પીધી હતી. જ્યારે અફરાઝુલ કામમાં પરોવાયેલ હતો ત્યારે શંભુ ઘરેથી હથિયારો લઈ આવ્યો અને અફરાઝુલની હત્યા કરી. આરોપીએ પોતાના ૧૪ વર્ષીય ભત્રીજાને સાથે રાખ્યું અને એને હત્યાની ઘટનાનું વીડિયો રેકોર્ડ કરવા કહ્યું હતું. જે વીડિયો વાયરલ થવાથી દેશભરમાં રોષ ફેલાયો હતો.