(એજન્સી)         નવી દિલ્હી , તા.૨૬

રાજસ્થાનમાં પોતાની સરકાર બચાવવા સંઘર્ષ કરી રહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભાનું સત્ર શરૂ કરવા માટે રાજયપાલને બીજી વખત પ્રસ્તાવ મોકલ્યો હતો. જેમાં પ્રસ્તાવિત તારીખ ૩૧ જૂલાઈ રજૂ કરવામાં આવી છે અને આ દરખાસ્તમાં કોરોના વાયરસને એજન્ડા ગણાવાયો છે. આ પ્રસ્તાવમાં શક્તિ પ્રદર્શન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ગેહલોતે જણાવ્યું હતું કે તેમને સમર્થન કરી રહેલા કેટલાક ધારાસભ્યોને ગુરુગ્રામમાં વિરોધી જૂથોએ બંદી બનાવી રાખ્યા છે, એક વખત આ ધારાસભ્યો જયપુર પરત ફરશે પછી તેમની તરફેણ કરનારા ધારાસભ્યોની સંખ્યા વધી જશે. બીજી તરફ વિધાનસભાનું સત્ર બોલાવવા માટે અગાઉ પ્રસ્તાવ ફગાવી ચૂકેલા રાજયપાલ કલરાજ મિશ્રએ જણાવ્યું હતું કે નવી દરખાસ્તમાં સત્ર બોલાવવા માટેનું કારણ કે તારીખ જણાવવામાં આવી નથી. તેઓ આ પ્રસ્તાવની સમીક્ષા કરશે. દરમ્યાન કોંગ્રેસે રાજસ્થાનની રાજકીય મડાગાંઠ અંગે આવતીકાલે ભાજપ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની યોજના હાથ ધરી છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે તેઓ ભાજપના કાવતરાને ખુલ્લો પાડવા દેશના રાષ્ટ્રપતિ સમક્ષ પણ રજૂઆત કરશે. આ મોટા રાજકીય કોકડાના દસ મહત્વના મુદ્દા નીચે મુજબ છે.

૧. વિશ્વાસનો મત જીતવાથી ગેહલોત સરકારને આગામી છ વર્ષ માટે રાહત મળશે. પણ જો અત્યારે  વિશ્વાસ મત મેળવવામાં આવશે તો બળવાખોર ધારાસભ્યો પોતાની સરકાર સામે જ મત આપી શકે છે. જો તેઓ પાછળથી ગેરલાયક ઠેરવવામાં આવે તો પણ તેમના મતને ગણતરીમાં લેવામાં આવશે.

૨. રાજયપાલ કલરાજ મિશ્રએ અગાઉ વિધાનસભાનું સત્ર બોલાવવાનો ગેહલોતનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. તેમણે મુખ્યમંત્રીને બીજો પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યું હતું.

૩. કોૅગ્રેસે રાજસ્થાનના રાજકીય ગૂચવાડા માટે દેશવ્યાપી દેખાવો કરવાની યોજના બનાવી છે. કોંગ્રેસે જણાવ્યં હતું કે તેઓ રાષ્ટ્રપતિ સમક્ષ ભાજપની મેલી રાજરમતને ખુલ્લી પાડશે.

૪. રાજસ્થાનમાં લોકશાહીની અધોગતિ મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્‌વીટ કરી લોકોને સંગઠિત થવાનું આહ્વાન કર્યું હતું. તેમણે લોકશાહી માટે લોકોને અવાજ ઉઠઆવવા અનુરોધ કર્યો હતો.

૫. ગત શુક્રવારે કોૅગ્રેસ પાર્ટીએ રાજસ્થાનમાં રાજયપાલના નિવાસ બહાર ધરણાં કર્યા હતાં.બીજી તરફ ગેરલાયક ઠેરવવા અંગે સચિન પાયલોટ જૂથને હાલ પૂરતી રાજસ્થાન સરકાર તરફથી હાલ પૂરતી રાહત મળી હતી.

૬. અદાલતે જણાવ્યું હતું કે જ્યાં સુધી સત્તાનો મોટો મુદ્દો ઉકેલી લેવામાં ન આવે ત્યાં સુધી સ્પીકર સચિન પાયલટ અને બળવાખોર ધારાસભ્યો સામે પગલાં ભરી શકે નહી.

૭. આવતીકાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવશે. સવારે ૧૧ વાગ્યે કોર્ટ સ્પીકરની સત્તા મામલે હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી શકે કે નહી તે અંગે સુનાવણી હાથ ધરશે.

૮. વિશ્વાસ મત પહેલાં બળવાખોરોને ગેરલાયક ઠેરવવાથી ૨૦૦ સભ્યોની વિધાનસભામાં બહુમતી નીચે આવશે. ગેહલોત બહુમતીનો દાવો કરે છે પણ જો સંખ્યા ૧૦૧ પર અટકી જશે તો ગેહલોત સરકારની સરસાઈ પાતળી બનશે.

૯. સુપ્રીમ કોર્ટમાં મામલાને લઈ કોંગ્રેસમાં બે ભાગ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. એક જૂથનું માનવું છે કે આ અરજી પાછી ખેંચી લઈ તેનો રાજકીય રીતે ઉકેલ લાવવો જોઈએ.

૧૦. સચિન પાયલટ જૂથ પોતાની પાસે ૩૦ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરે છે. પણ અત્યાર સુધીના ઘટનાક્રમ મુજબ તેમની પાસે માત્ર ૧૯ સભ્યોનું સમર્થન હોવાનું પુરવાર થયું છે. ભાજપ પાસે ૭૨ ધારાસભ્યો છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં રાજયપાલ પોતાના આકાઓના ઈશારે ચાલે છે. પાર્ટીએ રાજયપાલ કલરાજ મિશ્ર પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે રાજયપાલે રાજય સકરારના મંત્રીઓની સલાહ મુજબ કામ કરવું જોઈએ.