(એજન્સી) તા.૧૪
જે દેશમાં મહિલાઓ અને છોકરીઓ પર હુમલા એ કોઇ નવી વાત નથી. ત્યારે કેરળના કન્નૂરના ઉત્તરીય જિલ્લામાં એક શિક્ષકે ૯ વર્ષની અનાથ બાળકી પર કરેલ બળાત્કાર એ જાણે ન્યૂઝ જેવું કંઇ નથી.
ચોથા ધોરણમાં અભ્યાસ કરતી આ છોકરી પર તેના જ શિક્ષક પદ્મરાજને બળાત્કાર કર્યો હતો.પદ્મરાજન ભાજપનો સ્થાનિક નેતા પણ છે. છોકરીના પરિવારે ચાઇલ્ડ લાઇન અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરતાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે પરંતુ પોલીસે આ ગુનેગારની ધરપકડ કરતાં એક મહિના જેટલો લાંબો સમય લીધો હતો અને તે પણ અસંખ્ય વિરોધ થયા બાદ પોલીસે ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે.
જ્યુડિશીયલ કસ્ટડીના સમાપ્તિના એક દિવસ પહેલા જ પોલીસે તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કર્યુ હતું અને તે પણ આંશિક કે જેમાં પોસ્કો હેઠળ કોઇ આરોપ નહીં મૂકવામાં આવતાં આખરે અપરાધીને જામીન મળી ગયાં છે. થોડા દિવસ પૂર્વે અપરાધીને મળેલા જામીનને પડકારતી છોકરીની માતાએ અરજી કરતાં કેરળ હાઇકોર્ટે પણ ક્રાઇમ બ્રાંચની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ક્રાઇમ બ્રાંચે ૯ વર્ષની છોકરી તરંગી અને દિવાસ્વપ્નમાં રાચતી હોવાનો આરોપ મૂક્યો હતો. પન્નૂર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ એફઆઇઆર અનુસાર શાળામાં અભ્યાસ કરતી આ છોકરી પર શિક્ષક પદ્મરાજને ૧૫ જાન્યુ.થી ૨ ફેબ્રુ.૨૦૨૦ વચ્ચે ૧થી વધુ વખત બળાત્કાર ગુજાર્યો હતો અને આઇપીસીની કલમ હેઠળ ૧૭, માર્ચના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. છોકરીના પરિવારે ચાઇલ્ડલાઇન ઓથોરિટીના દ્વાર પણ ખટખટાવ્યાં હતાં. છોકરીની તબીબી તપાસ કરાવવામાં આવી હતી અને ૧૮, માર્ચના રોજ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવી હતી. અપરાધી સમગ્ર વિસ્તારમાં જાણીતી વ્યક્તિ હોવાથી એક અઠવાડિયા સુધી પોલીસે ધરપકડ પણ કરી ન હતી. અપરાધીએ આ સગીરાને એવી ધમકી આપી હતી કે જો તે કોઇને આ વાત જણાવશે તો તેની માતાને મારી નાખવામાં આવશે. જ્યારે મુસ્લિમ લીગ એસડીપીઆઇ, પીએફઆઇ અને વેલફેર પાર્ટી જેવા સંગઠનોએ વિરોધ કર્યો ત્યાર બાદ અપરાધીની ધરપકડ કરવામાં આવી હતી.