વૉશિંગ્ટન,તા.૮
અમેરિકાના મેક્સિકો નજીકની બોર્ડર પર કોંક્રિટની દિવાલ બનાવવાના બદલે હવે સ્ટીલ બેરિયર બનાવવા પર વિચાર કરી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો નજીકની બોર્ડર પર દિવાલ બનાવવા મામલે તેમના એડમિનિસ્ટ્રેશન અને વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીની વચ્ચે પરસ્પર મતભેદ ઉકેલવાની નજીક પહોંચવાનો સંકેત આપતા રવિવારે કહ્યું કે, હવે અમે કોંક્રિટની દિવાલને બદલે સ્ટીલના બેરિયર બનાવવા પર વિચાર કરી રહ્યા છે. આ એક સારું સમાધાન છે.
મેક્સિકો નજીકની બોર્ડર પર વૉલ તૈયાર કરવાના મામલે મતભેદોના કારણે જ છેલ્લાં ૧૫ દિવસથી અમેરિકામાં સરકારી કામકાજ આંશિક રીતે બંધ પડ્યું છે.
ટ્રમ્પના નિવેદનના થોડાં કાલકો પહેલાં જ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સે કોંગ્રેસમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉચ્ચ નેતાઓ-સદનની સ્પીકર નેન્સી પેલોસી અને સેનેટમાં લઘુમતીના નેતા ચક શૂમરની સાથે બેઠક કરી હતી. ટ્રમ્પે આ બેઠકને સફળ ગણાવી હતી.
ટ્રમ્પે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓને મેક્સિકો બોર્ડર પર કોંક્રિટની દિવાલનો વિકલ્પ પસંદ નહતો. તેથી તેઓએ સ્ટીલની દિવાલનો પ્રસ્તાવ રાખ્યો.