(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાને મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં, વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમવાર હજુ સુધી ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થઈ શકી નથી. ભાજપ સરકાર કોણ જાણે કેમ ધારાસભ્યોની શપથવિધિ વિલંબમાં મૂકાઈ રહી છે અને તેને લઈને ચર્ચાનું બજાર ગરમ છે. છેલ્લા કેટલાક દિવસોથી તે અંગેની અટકળો વચ્ચે હવે વિધાનસભાનું સત્ર ઉત્તરાયણ પછી બોલાવાય અને તેમાં ધારાસભ્યોની શપથવિધિ યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે આ બધા વિલંબને લઈને ચૂંટાયેલા ધારાસભ્યો એક માસના પગારથી વંચિત રહી જશે. ગુજરાત સરકારનો શપથવિધિ સમારંભ યોજાઈ ગયો અને ૨૦ ધારાસભ્યોને મંત્રીપદ પણ ફાળવી દેવાયા છે અને તેઓ પગાર-ભથ્થાં મેળવતા થઈ ગયા છે. પરંતુ ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના મળીને કુલ ૧૬૨ ધારાસભ્યો એક મહિનો થવા આવ્યો હોવા છતાં શપથવિધિ ના યોજાતાં એક મહિનાના પગારથી વંચિત રહી જશે. કેમકે, નિયમ મુજબ જ્યાં સુધી શપથ ના લે ત્યાં સુધી ધારાસભ્યોના પગાર-ભથ્થાં શરૂ થતાં નથી.
ચૂંટણીના પરિણામો ૧૮મી ડિસેમ્બરે આવ્યા હતા. હવે મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. જો કે, હજુ સુધી ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ ક્યારે યોજાશે તે નક્કી નથી. ધારાસભ્યોને મહિને ૬૮ હજારનો પગાર ઉપરાંત ગાંધીનગર એમએલએ ક્વાર્ટરમાં રહેવા માટે મકાન તેમજ મુસાફરી ભથ્થાં સહિતના લાભો મળતા હોય છે. જો કે, શપથવિધિ વિના ધારાસભ્યો હવે એક મહિના જેટલા સમયના પગારથી વંચિત રહી જશે. ૧૬૨ ધારાસભ્યોનો ૬૮ હજાર લેખે કુલ પગાર ગણીએ તો લગભગ સવા કરોડ થવા જેટલો જાય છે.
આ ધારાસભ્યોમાંથી વિધાનસભાના અધ્યક્ષ અને વિપક્ષના નેતા બનનારાને મંત્રીની સમકક્ષ પગાર મળતો હોય છે. મંત્રીઓને મહિને લગભગ ૮૨ હજારથી વધુ પગાર-ભથ્થાં મળે છે. તેમનો પગાર ૨૬મી ડિસેમ્બરથી જ શરૂ થઈ ગયો છે.