(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
આવતીકાલ તા.૯ને ગુરૂવારના રોજ શબેબરાત હોવાથી મુસ્લિમ સમાજના લોકોએ હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કબ્રસ્તાનો, મસ્જિદો, દરગાહોમાં ન જવા ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો અને સભ્યોએ વિનંતી કરી છે. કોરોના વાયરસની મહામારીને લીધે સમગ્ર દેશની સાથે ગુજરાત પણ સંપૂર્ણ લોકડાઉનમાં છે ત્યારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ સહિતના કર્મચારીઓ તેમના ઘર પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. આવા સમયે આપણી ફરજ છે કે, કાયદાનું પાલન કરી તમામને સાથ સહકાર આપીએ અને પોતાના પરિવારની સુરક્ષા માટે શેરી, પોળ, મહોલ્લા, ચાલી, સોસાયટીમાં લોકડાઉનનું કડક પાલન કરીએ તેવી કમિટીના ચેરમેન રફીક નગરી, પૂર્વ ચેરમેન મોહમ્મદ હુસેન શેખ, હબીબ મેવ, જી.પી.ચાવાલા, રફીક કાદરી, ઝાહીદ કાદરી, ઈકબાલ બેલીમ, જાવેદ સાકીવાલા, મુનીર કલીમી, ફૈયાઝખાન પઠાણ, બિલાલ લુહાર, હાસીમ શેખ, સિરાજ શેખ, ઈમ્તિયાઝ શેખ, બુરહાનુદ્દીન કાદરી વગેરેએ વિનંતી કરી છે અને જણાવ્યું છે કે, આવતીકાલે શબેબરાતના દિવસે કબ્રસ્તાન, દરગાહ, મસ્જિદમાં ન જઈ ઘરને જ ઈબાદતગાહ બનાવી નમાઝ, કુર્આનેપાકની તિલાવત, નફીલ નમાઝ સહિતની ઈબાદતો ઘરમાં અદા કરી અલ્લાહની બારગાહમાં અશ્રુવહાવી દુઆ કરવામાં આવે કે પાક પરવરદિગાર દેશ અને ગુજરાતને આ મહામારીમાંથી મુક્તિ અપાવે અને જે લોકો કોરોના પોઝિટિવ છે તેઓ વહેલીતકે સાજા થાય.