અમદાવાદ, તા.૬
ગત વર્ષે શાહપુરમાં ભેંસ-પાડાનું માંસ વેચવાના ગુના બદલ મિરઝાપુરના શબ્બીર કુરેશીની શાહપુર પોલીસે ર૧/પ/ર૦૧૬ના રોજ ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ઢોરમાર માર્યો હતો. આથી શબ્બીર કુરેશીએ પોલીસ સામે ફરિયાદ કરી હતી. શાહપુર પોલીસે કેસને લુલો બનાવવા નજીવી કલમો લગાવીને નજીવા ગુના હેઠળ રિપોર્ટ બંધ કરી દીધો હતો. ત્યારબાદ શબ્બીર કુરેશીએ હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈને તેમજ પોલીસ કમિશનરને સોગંદનામું કરવા હુકમ કર્યો હતો. આ કેસ અંગેની વિગત એવી છે કે ગત વર્ષે મિરઝાપુરના શબ્બીર કુરેશીને ભેંસ-પાડાનું માંસ વેચવાના ગુના હેઠળ શાહપુર પોલીસે તા.ર૧/પ/ર૦૧૬ના રોજ ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં ખૂબ જ માર મારેલ. શબ્બીર કુરેશીએ પોલીસ સામે ફરિયાદ કરતા શાહપુર પોલીસે કેસ લૂલો બનાવવા માટે ઈપીકો કલમ ૩ર૪ જેવા નજીવા ગુના હેઠળ રિપોર્ટ બંધ કરી દીધો હતો. શબ્બીર કુરેશીએ ના. ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી સ્પેશિયલ ક્રિમિનલ અરજી પ૦૯૧/ર૦૧૭ દાખલ કરી અને શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ કમિશનરને સોગંદનામું કરવા હુકમ કર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે બંને અધિકારીઓના સોગંદનામા લીધા હતા. શબ્બીર કુરેશી તરફે રજૂઆત કરેલ કે તેમને પોલીસના મારને કારણે પગે ફ્રેક્ચર થયેલ અને તે માટે શાહપુર પોલીસ સામે ગંભીર ગુનાની ફરિયાદ દાખલ થવી જોઈએ. શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર હરદેવસિંહ ભગવતસિંહ વાઘેલાએ હાઈકોર્ટમાં સોગંદનામું કરેલ કે ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે આવી ઈજા બોથડ પદાર્થથી અથવા પડી જવાથી પણ થઈ શકે. શાહપુર પીઆઈનું આવું સોગંદનામું વાંચતા જ આખી કોર્ટ હસી પડી હતી. ફ્રેક્ચર અને પોલીસ મારના ચકામાં વળી પડી જવાથી શક્ય છે ?? આમ સીધે સીધા કબૂલ કરવાને બદલે પોલીસ અધિકારી અન્ય પોલીસ કોન્સ્ટેબલને બચાવવા પ્રયત્ન કરી રહ્યા હોવાનું દેખાઈ આવ્યું હતું. પરંતુ પોલીસ રિપોર્ટ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરી દીધો હોવાથી હાઈકોર્ટે વધુ તપાસ નવરંગપુરા પોલીસને સોંપી. શાહપુર પોલીસને તમામ કાગળો નવરંગપુરા પોલીસને સોંપવા આદેશ કર્યો હતો. ફરિયાદી શબ્બીર કુરેશી ઉપર શાહપુર પોલીસના મળતિયાઓનું ખૂબ જ દબાણ અને લોકોનું દબાણ હોવા છતાં છેલ્લા ૧પ મહિના એકલા હાથે હિંમતથી ન્યાય માટે ઝઝૂમતા રહ્યા અને અંતે તેમને ન્યાય મેળવવામાં સફળતા મળી છે.