(એજન્સી)

નવી દિલ્હી, તા.૨૬

વારાણસી વિકાસ એથોરિટીએ જણાવ્યું હતું કે, વ્યવસાયિક કોમ્પલેક્ષ બનાવવા માટે શરણાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના નિવાસને તોડવાની કામગીરી બંધ કરી દેવામાં આવી રહી છે. ઝોનલ અધિકારી અને એન્જિનિયરોની બનેલી ટીમે ગત સપ્તાહે હદાહા સરઈ વિસ્તારમાં આવેલા ખાનના મકાનની મુલાકાત લીધી હતી. તેેમને જાણવા મળ્યું હતું કે, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના સગાવાળા વ્યવસાયિક લાભ માટે ઘરને તોડી રહ્યા છે. આ ઈમારત રાષ્ટ્રીય ઘરોહર હોવાથી ખાનના સગા-સંબંધી સાથે વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ મકાન તોડવાનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું. વારાણસી વિકાસ એથોરિટીએ જણાવ્યું હતું કે, નિરીક્ષણ કરતાં જાણવા મળ્યું હતું કે, ખાનના પૌત્ર દ્વારા મકાનનો બીજો માળ તોડી પાડવામાં આવ્યો હતો. હાલ આ મકાનમાં ખાનનો પૌત્ર મુહમ્મદ શિફતેન વસવાટ કરે છે. એવા અહેવાલો પણ પ્રાપ્ત થયા હતા કે, તેમના પરિવાર વચ્ચે સંપત્તિ અંગે વિવાદ ચાલે છે. બિસ્મિલ્લાહ ખાનના પાંચ પુત્રો છે. કોઈપણ નવા બાંધકામ પહેલાં નકશો રજૂ કરી મંજૂરી મેળવવાનું જણાવાયું હતું. ખાનના નિવાસનો બીજો માળ વ્યવસાયિક હેતુ માટે તોડી પાડવામાં આવતા અન્ય સગાઓએ વાંધો ઊઠાવ્યો હતો.