(એજન્સી) તા.૧૧
વરિષ્ઠ રાજનેતા શરદ પવારે એવા તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા કે તેઓ યુપીએ ગઠબંધનનું નેતૃત્વ કરશે. તેમણે એવા તમામ અહેવાલો નકારી કાઢ્યા હતા કે સોનિયા ગાંધીની જગ્યાએ હવે તેઓ યુપીએ ગઠબંધનનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. જોકે હવે ખુદ શરદ પવારના આ પ્રકારના ખુલાસા બાદ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દેવાયો છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં એનસીપીનો સહયોગી પક્ષ શિવસેનાએ જ તેમને આ ભૂમિકા ભજવવા માટે સમર્થન આપી દીધું છે. આ મામલે ૮૦ વર્ષીય શરદ પવારે કહ્યું કે મીડિયા દ્વારા જે પણ સમાચાર ચલાવવામાં આવી રહ્યા છે કે હું યુપીએનો આગામી અધ્યક્ષ બનીશે તેમાં કોઈ સત્ય નથી. તેમણે આ ખુલાસો ત્યારે કરવો પડ્યો જ્યારે શિવસેનાએ કહ્યું કે કોંગ્રેસ હવે નબળી થઈ ગઈ છે અને વિપક્ષે હવે એક મંચ પર આવીને નવા નેતૃત્વ અંગે નિર્ણય કરવો જ પડશે. શિવસેના તરફથી સંજય રાઉતે કહ્યું હતું કે જો શરદ પવારને યુપીએના આગામી ચેરમેન બનાવવામાં આવે તો અમને તેનાથી ખુશી થશે. પરંતુ હું સાંભળી રહ્યો છું કે તેમણે ઇનકાર કરી દીધો છે. તે એક મોટા નેતા છે. જો તેઓ તૈયાર હોય તો અમે આ પ્રસ્તાવને સત્તાવાર રીતે સમર્થન આપવા તૈયાર છીએ.