(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ બુધવારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા ત્યારે ગૃહમાં વિપક્ષી સભ્યો દ્વારા શરમ-શરમના સૂત્રોચ્ચોરો કરાયા હતા. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં તેમની ઉમેદવારી પર મહોર માર્યા બાદ વિપક્ષી દળો ઉપરાંત સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશો દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી. વિપક્ષે આ પગલાંને બંધારણના મૂળભૂત માળખા પર ‘નિર્લજ્જ’ હુમલો ગણાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે, આ ઉમેદવારી સૌથી ગંભીરમાંની એક, ના વિચારી શકાય તેવી તથા બંધારણના મૂળભૂત માળખા પર નિર્લજ્જ હુમલો છે જ્યારે સીપીએમે કહ્યું હતું કે, આ દેખાડે છે કે, સરકારે ન્યાયપાલિકાની સ્વતંત્રતાને બેશરમ રીતે ઓછી આંકી છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભાના સભ્યપદ માટે રંજન ગોગોઇની નિમણૂંકને બહાલી આપી હતી. વિપક્ષી પાર્ટીઓ અને વિરોધી તેને ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે જોખમી ગણાવી ભારે ટીકા કરી રહ્યા છે. રંજન ગોગોઇ માત્ર ચાર મહિના પહેલા જ ચીફ જસ્ટિસના પદેથી નિવૃત્ત થયા છે. તેમણે વિરોધીઓ દ્વારા કરાતી ટીકાના જવાબમાં કહ્યું હતું કે, સંસદમાં તેમની હાજરી ન્યાયપાલિકાના મુદ્દાઓને વિધાનમંડળ સામે રાખવામાં મદદ કરશે. તેમ છતાં તેમના રાજ્યસભામાં જવાનો વિરોધ ઓછો થયો ન હતો. આ વિરોધ વચ્ચે જ તેમણે રાજ્યસભામાં શપથ લીધા હતા.
ગુરૂવારના રોજ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ શપથ ગ્રહણ કરવા માટે સમયસર નક્કી કરેલા સ્થળ પર પહોંચી ગયા હતા. વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચારો શરૂ કરી દીધા હતા. દેશના ૪૬માં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી ચૂકેલા રંજન ગોગોઈના શપથ ગ્રહણ દરમિયાન જ કોંગ્રેસના સભ્યોએ સંસદમાંથી વોક આઉટ કરી લીધું હતું. વિપક્ષી સાંસદોના આવા વર્તનને સભાપતિ વૈંકેયા નાયડૂએ અસંતોષજનક ગણાવ્યો. ૩ ઓક્ટોબર ૨૦૧૮થી ૧૭ નવેમ્બર ૨૦૧૯ સુધી દેશના ચીફ જસ્ટીસના પદ પર ફરજ બજાવી ચૂકેલા ગોગોઈના નામને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભા માટે સૂચવ્યું હતું. વિપક્ષના હોબાળા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સંસદમાં કહ્યું કે રાજ્યસભાની પરંપરા રહી છે કે અહીં પ્રતિષ્ઠિત લોકો જ સભ્ય બન્યા છે. ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી ચૂકેલા ગોગોઈને નિષ્પક્ષ રીતે રાજ્યસભામાં પોતાની વાત રજૂ કરવાની રહેશે. તેના પર રંજન ગોગોઈએ જવાબ આપતા કહ્યુ છે કે, વિરોધ કરનારા લોકો જ બહુ જલ્દી મારુ સ્વગત કરશે. અહીંયા કોઈ મારૂ ટીકાકાર નથી.

રંજન ગોગોઇએ શપથ લીધા બાદ કહ્યું- જે લોકો મારો વિરોધ કરે છે તેઓ બાદમાં સ્વાગત કરશે !!

રાજ્યસભાના સભ્ય તરીકે શપધ લીધા બાદ તરત જ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ કહ્યું કે, જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ બાદમાં મારૂં સ્વાગત કરશે. ૬૫ વર્ષના રંજન ગોગોઇની રાજ્યસભામાં નિમણૂંકે ભારે વિવાદ જગાવ્યો છે, કેટલાક લોકો માને છે કે, આ ન્યાયપાલિકાની સ્વતંત્રતાને હાનિ પહોંચાડનારૂં પગલું છે. શપથ માટે જેવું રંજન ગોગોઇનુંન નામ બોલાવાયું ત્યારે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સભ્યોએ ‘તમારા પર શરમ આવે છે’ અને ‘સોદો’ જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. જ્યારે તેમણે શપથ લેવાનું શરૂ કર્યું ત્યારે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સભ્યો સૂત્રોચ્ચારો સાથે વોકઆઉટ કરી ગયા હતા. સ્પીકર વેંકૈયા નાયડુએ વિપક્ષના આ પગલાંને સંસદના સભ્યો દ્વારા નિંદાત્મક પગલું ગણાવ્યું હતું. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આને અયોગ્ય ગણાવ્યું હતું. શપથ બાદ ગોગોઇએ સભાપતિ અને અન્ય સભ્યોનો આભાર માન્યો હતો. વિરોધ પક્ષ અંગે ગોગોઇએ બાદમાં જણાવ્યુંકે, જેલોકો મારો વિરોધ કરે છે તેઓ બાદમાં મારૂં સ્વાગત કરશે. માર કોઇ ટીકાકાર નથી.