(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
જામિયા પોલીસ સ્ટેશન નજીક નાગરિકત્વ વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત ઉશ્કેરણી જનક ભાષણ સંબંધિત કેસમાં સી.આર.પી.સી.ની કલમ ૧૬૭ (૨) હેઠળ જામીન મેળવવાની અરજી સંદર્ભે દિલ્હી હાઈકોર્ટે બુધવારે નોટિસ ફટકારી હતી. જસ્ટિસ વી.કામેશ્વર રાવની સિંગલ જજની બેંચે આ નોટિસ ફટકારી હતી. આ અરજીમાં ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને પણ રદ્દ કરવા માગણી કરવામાં આવી હતી, જેમાં દિલ્હી પોલીસને યુ.એ.પી.એ. હેઠળ કથિત ગુનાઓ માટે તપાસ કરવાની મંજૂરી આપી હતી. યુએપીએ હેઠળ, તપાસનો સમયગાળો ૧૮૦ દિવસનો છે. ઈમામને ૨૮ જાન્યુઆરીએ ઈ.પી.કો.ની કલમ ૧૫૩ એ, ૧૨૪ એ, ૫૦૫ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં, ઈમામે રજૂઆત કરી હતી કે, તેની કસ્ટડીના ૮૮મા દિવસે યુ.એ.પી.એ.ની કલમ લાગુ કરાઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય ૯૦ દિવસની કસ્ટડી પછી કાયદાકીય જામીન મેળવવાના અધિકારથી વંચિત રાખવાનો હતો. યુએપીએની વિનંતીને અનુલક્ષીને, સીઆરપીસીની કલમ ૧૬૭ હેઠળ ડિફોલ્ટ જામીન માટેની ઈમામની અરજી નામંજૂર થઈ હતી. એવી દલીલ કરવામાં આવી છે કે, દિલ્હી પોલીસને યુએપીએ હેઠળ તપાસ હાથ ધરવા માટે વધુ સમય આપવાનો આદેશ, યુએપીએની કલમ ૪૩ ડી (૨) હેઠળ આવશ્યક આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને કરાયો ન હતો. એવો આક્ષેપ કરવામાં આવે છે કે, ઉપરોક્ત કલમ હેઠળ ન તો ઈમામને નોટિસ આપવામાં આવી હતી કે, ન તો સરકારી વકીલ દ્વારા અહેવાલ રજૂ કરાયો હતો. દલીલ કરવામાં આવે છે કે, સરકારના વકીલના ફરજિયાત અહેવાલમાં સમય વધારવા માટેની તપાસ કરતા અધિકારીની વિનંતીનો વિકલ્પ નથી. એવી દલીલ કરવામાં આવે છે કે, સમય વધારવાની અરજી, વાસ્તવિક “અનિવાર્ય કારણો”થી વંચિત હતી, જેમાં તપાસના સમયગાળા માટે ૯૦ દિવસની મુદત વધારવા માટે જાહેર કરવું જરૂરી છે.