ડીસા, તા.૨
પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ બોકા(ચૌધરી) પશ્ચિમ બંગાળમાં શહીદ થયા છે. તેમના વતનમાં માનભેર ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાયા હતા. દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓનર આપ્યું હતું. શહીદને વિદાય આપવા આખું ગામ રસ્તા પર આવ્યું હતું. શહીદના પરિવારજનોએ ચોધાર આંસુએ વિદાય આપી હતી.સરદારભાઈના પાર્થિવ દેહને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. સવારે સાત વાગ્યે અમદાવાદથી તેમના દેહને બાય રોડ ખોડલા ગામ લઈ જવાયો હતો. તિરંગામાં સરદારભાઈના પાર્થિવ દેહ લાવતા ગામમાં ગમગીની છવાઈ હતી. શહીદને અંતિમ વિદાય આપવા માટે સ્કૂલના બાળકો, ગામની મહિલાઓ, પુરૂષો વડિલો સહિતનાએ ભારત માતા કી જય અને શહીદ વીર જવાન સરદારભાઈ ચૌધરી અમર રહોનાનારા લગાવ્યા હતા. તેમજ સલામી આપી હતી.