અમદાવાદ,તા.૫

છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ હિંસાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. નાની નાની બાબતોમાં થયેલો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. આવો જ એક બનાવ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. પરિણીતાને બીજુ સંતાન ના કરવા માટે દબાણ કરી ત્રાસ આપતા પરિણીતાએ ફિનાઇલ પી લીધું છે. ઠક્કરનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે, વર્ષ ૨૦૧૭માં તેના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થાય હતા. હાલમાં તેને એક ૧૪ માસની દીકરી પણ છે. જોકે, લગ્નના બે વર્ષ બાદ ઘરકામની નાની નાની બાબતોને લઇને તેના સાસુ સસરા અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, ફરિયાદીની નણંદના છૂટાછેડા થયા હોવાથી તે તેના દીકરા સાથે ફરિયાદીની સાથે રહે છે. જેથી તેના સાસુ સસરા દબાણ કરતા હતા કે, નણંદને સંતાનમાં દીકરો હોવાથી તારે કોઈ સંતાન પેદા કરવાનું નહિ. અને આ બાબતે ફરિયાદીના પતિને ઉશ્કેરતા હતા. ફરિયાદીએ આ બાબતની જાણ તેના પતિને કરતા તેના પતિએ કહ્યું હતું કે, મારા માતા પિતા અને બહેન કહે તે પ્રમાણે તારે રહેવાનું, આવું ન કરવુ હોય તો મારા ઘરેથી જતી રહે. એમ કહીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, સાસરીયાનો ત્રાસ સહન ના થતા ફરિયાદી યુવતી એ શુકવારે બપોરના સમયે ફિનાઇલ પી લીધું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં ફરિયાદીના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.