અમદાવાદ, તા.૨૨
વિકૃત માનસિકતા ધરાવતા લોકો મહિલા માટે મોટો ખતરો બની જતાં હોય છે, આવામાં ઘણા કિસ્સામાં વિકૃત માનસ ધરાવતા લોકોને કડક સજા પણ કરવામાં આવી છે છતાં આ પ્રકારના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા છે. મહિલાની છેડતી, ડરાવવા ધમકાવવાની કોશિશ વગેરે જેવા ઢગલો કેસ સતત નોંધાતા રહે છે. આવો જ એક કિસ્સો શહેરના ગોમતીપુર વિસ્તારમાં નોંધાયો છે જ્યાં એક શખ્સે ન્હાતી મહિલાના ફોટો લીધા હોવાની ઘટના બની છે. ગોમતીપુર વિસ્તારમાં વિકૃત માનસિકતા ધરાવતા એક શખ્સ દ્વારા ન્હાતી મહિલાની તસવીરો લેવાની કોશિશો કરવામાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. પોતાની ચોરી પકડાઈ ગયા બાદ યુવક દ્વારા મહિલાના પરિવાર પર હુમલો કરાયો હોવાની ઘટના પણ આ કિસ્સામાં બની છે. પીડિત મહિલા ન્હાતી હતી ત્યારે તેના ફોટો લેનારા શખ્સની ઓળખ છતી થઈ ગઈ હતી. આ ઘટના બાદ મહિલાના પરિવારના સભ્યો યુવકને ઠપકો આપવા માટે તેના ઘરે પહોંચ્યા તો યુવકે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે તેણે મહિલાના પરિવાર પર કુહાડાથી હુમલાની કોશિશ કરી હતી. સ્થિતિ વધારે વણસી ગયા પછી આ આખો મામલો ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ન્હાતી મહિલાની તસવીરો લેવાની કોશિશ કરનારા આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ યુવક કયા ઉદ્દેશ્યથી મહિલાના ફોટો પાડવા માટે પહોંચ્યો હતો તે અંગે પણ પોલીસ તપાસ કરી શકે છે.