અમદાવાદ, તા.૧૦
અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં આવેલા ખોખરા વોર્ડમાં છેલ્લા પંદર દિવસથી પણ વધુના સમયથી ગટરના ગંદા પાણીથી હજારો લોકો ત્રાહિમામ બની ગયા છે.તંત્રની બેદરકારીના પગલે રોડ ઉપર નીકળતા લોકોને ગંદી વાસ સહન કરવી પડી રહી છે આ સાથે જ આ વોર્ડમાં આવેલી અનેક સોસાયટીઓ,ફલેટો અને ચાલીઓના ઘરોમાં પણ ગટરના ગંદા પાણી બેક મારવાના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યકત કરવામા આવી રહી છે.આ અંગે મળતી માહિતી અનુસાર, ખોખરા વિસ્તારમાં મ્યુનિસિપલ સ્નાનાગરથી હાટકેશ્વર સર્કલ સુધી નવા તૈયાર થયેલા ફલાય ઓવરબ્રિજ નીચેથી પસાર થતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ગટરલાઈનમાં વીસ દિવસ અગાઉ ભંગાણ પડયુ હતુ. આ ભંગાણના સમારકામ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી આજદિન સુધી કરવામા આવી નથી. બીજી તરફ આ સમગ્ર વિસ્તારમાં આ ગંદા પાણી ખળખળ વહેતા આ વિસ્તારમા આવેલા રસ્તાઓ સુધી પહોંચી રહ્યા છે એટલુ જ નહી પરંતુ ખોખરા અને હાટકેશ્વર વિસ્તારના રસ્તાઓ ઉપર અસહ્ય દુર્ગંધ મારી રહી છે. જેને લઈને આવતા-જતા તમામને રસ્તાઓ ઉપર અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે જ આ વિસ્તારમા આવેલી અનેક સોસાયટીઓ, ફલેટો અને ચાલીઓ પણ આવેલી છે જેના મકાનો કે ફલેટમા વસતા લોકોના ઘરોમાં આવેલી ગટરો સુધી આ પાણી પહોંચતા ગટરના પાણી બેક મારી રહ્યા છે. આઘાતજનક બાબત તો સામે એ આવવા પામી છે કે, દિવસ દરમિયાન ગંદી વાસ મારતુ ગટરનુ પાણી આ વિસ્તારમા આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સબ ઝોનલ ઓફિસની સામેથી વહેતુ હોવા છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામા ન આવી હોવાને કારણે સ્થાનિક રહીશોમા આ મામલે ઉગ્ર રોષ ફેલાવા પામ્યો છે. આ સમગ્ર વિસ્તારમા આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યકત કરવામા આવી રહી છે. બીજી તરફ આ મામલે પૂર્વ ઝોનના એડીશનલ સીટી ઈજનેર એચ.ટી.મહેતાનું ધ્યાન દોરવામા આવતા એમનુ કહેવુ છે કે, આ મામલે ઝડપથી ઘટતી કાર્યવાહી હાથ ધરવામા આવશે.