અમદાવાદ,તા.૩૦
અમદાવાદ શહેરમાં થતી ગેરકાયદે પ્રવૃતિઓને ડામવા અને દારૂની બદીઓને નેસ્તનાબુદ કરવા પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. તે દરમ્યાન પોલીસે શહેરના વિવિધ વિસ્તારમાંથી ગેરકાયદે દારૂનો વેચાણ કરતા ૯ આરોપીઓને રૂા.૧,૯૯,રપ૦ની કિંમતના દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેર પોલીસે ગેરકાયદે થતી પ્રવૃતિઓને અટકાવવા અને દારૂની બદીઓને નેસ્ત નાબુદ કરવા ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી કે વટવા કેનાલ રોડ પર સફેદ કલરની ગાડીમાં દારૂ ભરી ત્રણ શખ્સો ઉભેલા છે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈ ચુનીલાલ પુનિયા, હડુમાનરામ જાટ અને ગણપતલાલ બિશ્નોઈની પૂછપરછ કરી ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી બોટલ નંગ-ર૪૦ (કિં. રૂા.૭ર,૦૦૦) તથા મોબાઈલ નંગ પ, મારૂતિ ઈકો ગાડી, રોકડ સહિત કુલ રૂા. ર,૮૬,૩૪પના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બાકીના ૩ આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જયારે બીજો બનાવ શહેરના સરદારનગર વિસ્તારમાં રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે મદાજનિયા વાત, કુબેરનગર સ્થિત મકાનમાં દારૂનો વેચાણ થતો હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે છાપો મારતા કુબેરનગરમાં રહેતો રાકેશ રાઠોડ અને સાહીલ રાઠોડને દારૂ બોટલ નંગ-૧૦૯ (કિં.રૂા.રપ,રપ૦) સાથે ઝડપી પાડયા હતા. જયારે ત્રીજો બનાવ શહેરના રામોલ વિસ્તારમાંથી પોલીસે ૩ આરોપી અમૃતલાલ દરંગા, આફતાબ શેખ અને આરીફ પઠાણને રૂા. એક લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ, શહેર પોલીસે વિવિધ વિસ્તારમાંથી કુલ ૯ આરોપીઓને રૂા.૧,૯૯,રપ૦ના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને ૩ ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.