અમદાવાદ, તા.૧૧
શહેરનું નામ ‘અહમદાબાદ’ હોવું જોઇએ નહીં કે, ‘અમદાવાદ’તે બાબતે ગુજરાત હાઇકોર્ટેમાં જાહેર હિતની અરજી કરવામાં આવતા કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જવાબ માગીને આવતા મહિને વધુ સુનાવણી રાખી છે. અરજદાર સુન્ની અવામી ફોરમ દ્વારા જાહેર હિતની અરજી કરીને મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે. શહેરની સ્થાપના ૧૪૧૧માં અહેમદશાહ બાદશાહ દ્વારા કરવામાં આવી હતી અને તેના ઉપરથી અહમદાબાદ નામ પડેલું છે. પરંતુ સ્થાનિક શાસકોએ તેનું નામ સ્વેચ્છાએ જ અમદાવાદ કરી નાખ્યું છે. મહાનગરપાલિકાએ પોતાની વેબસાઇટ, હેરિટેજ સિટીના પ્રતિક સહિતના સાહિત્ય ઉપર અહમદાબાદના બદલે અમદાવાદ લખ્યું છે. જે ખરેખર શહેરના સમૃદ્ધ ઇતિહાસની વિરૂદ્ધ છે અને લોકોને તેની સાચી ઓળખ બાબતે વિમાસણ ઊભી થાય છે. સુન્ની અવામી ફોરમે વધુમાં હેરિટેજ સિટીના પ્રતિક સામે પણ વાંધો ઉઠાવ્યો છે. પ્રતિકમાં શહેરની ઓળખ પ્રસ્થાપિત કરે તે માટે ચબુતરો મૂકવામાં આવ્યો છે પરંતુ ચબુતરા કરતા અનેક સદીઓ જૂના મુસ્લિમ તથા અન્ય સ્થાપત્યો શહેરમાં અસ્તિત્વમાં હોવાથી તેમાંથી એક પ્રતિકમાં શહેરની ઓળખ માટે મૂકવી જોઇએ. શહેરમાં વર્ષોથી તમામ ધર્મના લોકો એકસંપ થઇને રહેતા હોવાથી સામાજિક સમરસતા માટે સર્વધર્મની એકતાના પ્રતિક રૂપ હોય તેવા સ્થાપત્યનો ચબુતરાના બદલે સમાવેશ થવો જોઇએ. શહેરને હેરિટેજ સિટી જાહેર કરવામાં ઇસ્લામિક સ્થાપત્યોનો ઘણો મોટો ફાળો રહેલો છે અને તેને વિશ્વભરમાં ઓળખ મળેલી છે. શહેરના વિશ્વ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું હોવાથી નામ અહમદાબાદ જ રાખવું જરૂરી છે. શહેરનું નામ સ્વેચ્છિક રીતે જ બદલી નાખવા બાબતે આરટીઆઇ કરવામાં આવી હતી. તેમાં પણ સંતોષકારક જવાબ મળ્યો નથી. મહાનગરપાલિકાની વેબસાઇટ, ડાયરી, હેરિટેજની વેબસાઇટ અને તેના પ્રતિક ઉપર અમદાવાદ જ લખાવામાં આવ્યું છે.