અમદાવાદ,તા.રપ
અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવર કંપની દ્વારા મ્યુનિ.ની મંજૂરી વિના આડેધડ ખોદકામ કરી મોટાપાયે નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ માટે ટોરેન્ટ પાવર કંપનીને પેનલ્ટી પેટે નવ વર્ષમાં ૮૯ લાખથી વધુનો દંડ કર્યો હોવા છતાં માત્ર ૧૩.૮૦ લાખ રૂપિયાની જ ચૂકવણી કરી છે. તેમ છતાં મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓની મિલિભગતના કારણે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માગણી કરી છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વધુમાં જણાવ્યું છે કે, ટોરેન્ટ પાવર કંપની દ્વારા શહેરમાં રોડ-રસ્તા, ફુટપાથ વીજળીના વધુ સપ્લાય કરવા માટે મ્યુનિ.ની મંજૂરી વિના ખોદકામ કરી મોટાપાયે નુકસાન કરવામાં આવ્યું છે. આડેધડ ખોદકામ કરવાથી શહેરના નાગરિકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. ખરાબ રોડ રસ્તા માટે જેટલુ જવાબદાર મ્યુનિ. તંત્ર છે તેટલી જ જવાબદાર ટોરેન્ટ પાવર કંપની છે. આર ઓ પરમિશન વિના ખોદકામ કરતા ટોરેન્ટ પાવર કંપની ઉપર વર્ષ ર૦૧૦થી ર૦૧૯ સુધીમાં મ્યુનિ.એ કુલ ૮૯,૦૧,૦૦૦/- રૂપિયા પેનલ્ટી પેટે દંડ કર્યો છે જેમાંથી ટોરેન્ટ પાવર કંપનીએ ૯ વર્ષમાં માત્ર ૧૩,૮૦,૦૦૦/- રૂપિયા ચૂકવણી કરી છે. જયારે ૭પ,ર૧,૦૦૦/-ની માતબર દંડની રકમ ચૂકવવાની બાકી છે તેમ છતાં મ્યુનિ. વિભાગના અધિકારીઓની મિલિભગતના કારણે કોઈપણ પ્રકારની કાર્યવાહી ટોરેન્ટ પાવર કંપની ઉપર કરવામાં આવતી નથી ઉલ્ટાનું મોટાપાયે મદદ કરવામાં આવે છે. મ્યુનિ. કમિશનર સમક્ષ માગણી કરતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટોરેન્ટ પાવર કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દંડ પેટેની બાકી રકમ તાકીદે વસુલવામાં આવે અને નીતિ નિયમોમાં ફેરફાર કરી બેન્ક ગેરેન્ટી પેટે રોકડ રકમ ટોરેન્ટ પાવર કંપનીથી લેવામાં આવે જેનાથી મ્યુનિ.એ ટોરેન્ટ પાવર કંપની ઉપર દંડ વસુલવા માટે નિર્ભર ન રહેવું પડે તેવી માગ કરી છે.