અમદાવાદ, તા.૩૦
મ્યુનિ. તંત્ર દ્વારા રોગચાળો કાબૂમાં હોવાના ભલે દાવા કરવામાં આવે, પરંતુ ડિસેમ્બર માસમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. ૨૮ દિવસમાં જ ડેંગ્યુના ૩૦૨ કેસો નોંધાઈ ચુક્યા છે જે ચિંતાની બાબત દેખાઈ રહી છે. તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ડેંગ્યુના કેસો પણ વધી રહ્યા છે. ચિકનગુનિયાના પણ ૩૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. આવી જ રીતે ૨૮ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૩૮૨ કેસ નોંધાઈ ચુક્યા છે. ટાઇફોઇડના ૨૬૧ કેસો સપાટી ઉપર આવ્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો ગયા મહિનામાં માત્ર નવેમ્બર મહિનામાં ૭૯૩ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પહેલીથી ૩૦મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૭૯૩ કેસો નોંધાયા હતા. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો છે અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો હતો. ઝાડા ઉલ્ટીના નવેમ્બર સુધી ૪૬૮ કેસો નોંધાયા હતા આવી જ રીતે ગત ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૨૪૧૯૮ લોહીના નમૂનાની સામે ૨૮મી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૮૯૬૯૭ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૨૧૦૪ સિરમ સેમ્પલની સામે ૨૮મી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૨૫૧૪ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. કમળાના ૨૮ દિવસના ગાળામાં ૨૨૧, ટાઇફોઇડના ૨૬૧ કેસો સપાટી ઉપર આવ્યા છે.