અમદાવાદ,તા. ૧૪
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એકલ-દોકલ વ્યક્તિની નજર ચૂકવી સોના-ચાંદીના દાગીના સહિત કિંમતી માલ-સામાનની તફડંચી કરતી ગેંગ સક્રિય બનતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. માત્ર છેલ્લા ૩૬ કલાક દરમ્યાન શહેરના કૃષ્ણનગર, નિકોલ, ઇસનપુર અને સોલા સહિતના વિસ્તારમાં નજર ચૂકવી તફડંચી કરવાના બનેલા બનાવમાં લોકોએ આશરે રૂ.પ.પ૦ લાખની માલમત્તા ગુમાવી છે. આ બનાવોને પગલે જે તે વિસ્તારની પોલીસે જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ગેંગના સભ્યોને પકડવા માટે દોડતી થઇ છે. આ અંગેની વિગત એવી છે કે, સૈજપુર ટાવર નજીક કુબેરદાસની જુની ચાલીમાં રહેતી કોકિલાબહેન સુરેશભાઇ શર્મા નામની મહિલા આ વિસ્તારમાં ફદેલી રોડ પર તખતેશ્વર મહાદેવના મંદિર પાસેથી પસાર થતી હતી ત્યારે બે શખસોએ તેને રોકી વિશ્વાસમાં લઇ નજર ચૂકવ્યા બાદ રૂ. બે લાખના સોનાનાં ઘરેણાં તફડાવી લીધા હતા. પોતે ઘરેણાં ગુમાવ્યા હોવાનો અહેસાસ થતા આ મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે નિકોલમાં સામવેદની બાજુમાં આવેલ શ્રીમત ફલેટમાં રહેતા હર્ષભાઇ કનુભાઇ ચૌહાણ નિકોલ સરદાર મોલ પાસે પોતાનું એક્ટિવા પાર્ક કરી ઊભા હતા ત્યારે કોઇ શખ્સે તેની નજર ચૂકવી એક્ટિવાની ડેકીમાંથી રૂ.૯૦ હજારની રકમની તફડંચી કરી હતી. આ ઉપરાંત નાના ચિલોડામાં આવેલ પુષ્કર હોમમાં રહેતી હેમાબહેન મનીષભાઇ જીવનાની નામની યુવતી ઇસનપુર ચાર રસ્તાથી ઓટો રિક્ષામાં વિશાલનગર તરફ જવા માટે બેઠી હતી. આ રિક્ષામાં અગાઉથી બેઠેલા ત્રણ ગઠિયા હેમાબહેનની નજર ચૂકવી તેમની બેગમાંથી સોનાના દાગીના અને રોકડ મળી રૂ.૮પ૦૦૦ની મતા તફડાવી ફરાર થઇ ગયા હતા. તો આવા જ અન્ય એક બનાવમાં, રાણીપ ખાતે રહેતા શાંતીલાલ જીવરામભાઇ જોશી અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેશનથી રિક્ષામાં બેસી રાણીપ તરફ જઇ રહ્યા હતા ત્યારે રિક્ષામાં બેઠેલ ગઠિયાએ તેમના થેલા પર બ્લેડથી ચેકો મૂકી બેગમાંથી રૂ.૧.પ૦ લાખની રકમ તફડાવી લીધી હતી. પોલીસે આ બનાવો અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજીબાજુ, નાગરિકોમાં આ પ્રકારે તફડંચી કરતી ગેંગને પકડી તેની વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી ઉઠવા પામી હતી.