અમદાવાદ, તા. ૩૦
વરસાદની સિઝન વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવાયા હોવા છતાં શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સાદા મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝાડા ઉલ્ટી, કમળાના કેસો નોંધાયા છે. સપ્ટેમ્બર ૨૦૧૮ની સરખામણીમાં ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી ૬૨૪ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૩૭ અને ડેંગ્યુના ૮૧૧ કેસો સપાટી ઉપર આવ્યા છે અને ચિકનગુનિયાના ૬ કેસ નોંધાયા છે. સપ્ટેમ્બરમાં ૨૮ દિવસમાં ઝાડાઉલ્ટીના ૪૪૪ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૩૧૧ અને ટાઇફોઇડના ૭૦૩ કેસ નોંધાઈ ચુક્યા છે. સપ્ટેમ્બર માસના ગાળામાં હજુ સુધી ઝાડા ઉલ્ટીના ૪૪૪ કેસ નોંધાઈ ચુક્યા છે. અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે જેમાં ૫૨૦૩૩ ક્લોરિન ગોળીઓનું વિતરણ સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવ્યું છે. બેક્ટોરિયોલોજીકલ તપાસ માટે ૧૪૪૯ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. વહીવટી દંડ ફટકારીને પણ અસરકારક કામગીરી જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા તપાસ કરવામાં આવ્યા બાદ ૧૩ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા સપ્ટેમ્બર સુધીમાં લોહીના હજારોની સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સપ્ટેમ્બર ૨૦૧૮ની સરખામણીમાં ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ૪૪૯૮ જેટલા સિરમ સેમ્પલો લઇને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે. મચ્છરજન્ય વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયા રોગચાળાને રોકવામાં સફળતા મળી છે. રોગચાળાને રોકવાના પગલા સફળ પણ રહ્યા છે.

રોગચાળાનું ચિત્ર

અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.
મચ્છરજન્ય કેસો
વિગત સપ્ટેમ્બર-૨૦૧૮ સપ્ટેમ્બર-૨૦૧૯
સાદા મેલેરીયાના કેસો ૯૭૪ ૬૨૪
ઝેરી મેલેરીયાના કેસો ૧૩૮ ૩૭
ડેન્ગ્યુના કેસો ૮૯૯ ૮૧૧
ચીકુનગુનિયા કેસો ૩૦ ૦૬
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૩૫૭ ૪૪૪
કમળો ૩૪૯ ૩૧૧
ટાઈફોઈડ ૩૮૦ ૭૦૩
કોલેરા ૦૭ ૦૩