અમદાવાદ, તા.૧૩
અમદાવાદ શહેરમાં ઠંડી અને ગરમીની મિશ્ર સિઝન વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય કેસો ફરી એકવાર સપાટી ઉપર આવ્યા છે. વર્ષ ૨૦૧૮ની શરૂઆત થયા બાદથી સાદા મેલેરિયાના ૫૦ કેસો નોંધાઈ ચુક્યા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૨૨ કેસો સપાટી ઉપર આવ્યા છે. ડેંગ્યુના ૩૨ કેસ નોંધાઈ ચુક્યા છે. આવી જ રીતે પાણીજન્ય રોગની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના ૬૪૩ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ૨૦૧૮માં હજુ સુધી કમળાના ૨૩૫ અને ટાઇફોઇડના ૨૧૦ કેસ નોંધાયા છે. આ ઉપરાંત શરદી, ખાંસી, ઈન્ફેકશન, વાફરસના કેસો પણ હજારોની સંખ્યામાં છે. ફેબ્રુઆરી ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૫૫૦૬૬ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૧૦મી ફેબ્રુઆરી સુધીમાં ૩૦૮૮૬ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફેબ્રુઆરી મહિનામાં ૧૩૯ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આવી આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે. ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી.અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતથી હજુ સુધીમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૬૪૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત પાણીજન્ય એવા કમળાના પણ ૨૩૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ટાઈફોઈડના કુલ ૨૧૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગના કેસની સ્થિતિ અંગે જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં સાદા મેલેરીયાના ૫૦ કેસ અને ઝેરી મેલેરીયાના ૨૨ અને ડેન્ગ્યુના ૩૨ કેસ સપાટી પર આવવા પામ્યો છે. માત્ર ફેબ્રુઆરી મહિનામાં ઝાડા ઉલ્ટીના ૧૦ દિવસના ગાળામાં જ ૧૬૧ કેસો નોંધાઈ ચુક્યા છે.

કયા રોગના કેસો નોંધાયા ?

મચ્છરજન્ય કેસો
વિગત ૨૦૧૭ ૨૦૧૮
સાદા મેલેરીયાના કેસો ૯૨૯૭ ૫૦
ઝેરી મેલેરીયાના કેસો ૧૩૨૦ ૨૨
ડેન્ગ્યુના કેસો ૧૦૭૧ ૩૨
ચીકુનગુનિયા કેસો ૨૫૬ ૦૮
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૯૨૧૩ ૬૪૩
કમળો ૨૩૭૬ ૨૩૫
ટાઈફોઈડ ૨૮૦૭ ૨૧૦
કોલેરા ૮૮ ૦૦