અમદાવાદ, તા.૨૭
કોરોના વાયરસની મહામારી વચ્ચે માસ્ક પહેરવું હવે જરૂરી થયું છે તો બીજી તરફ હવે અનલોક શરૂ થતાં લોકો બહાર આવવા લાગ્યાં છે. પરંતુ કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના બહાર આવે છે ત્યારે લોકોની સલામતી માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવાનો શરૂ કરવામાં આવ્યો છે જેમાં ૧૦ દિવસમાં માસ્ક ન પહેરનારા ૯,૦૦૦થી વધુ લોકોને દંડીને ૧૬લાખથી વધુ કિંમતનો દંડ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ માસ્ક ન પહેરનારને દુકાન કે અન્ય જગ્યાઓ પર જઈને દંડ આપવામાં આવતો હતો ત્યારબાદ પોલીસને પણ સત્તા આપવામાં આવી હતી કે રસ્તે જતાં રાહદારીએ માસ્ક ન પહેર્યું તો તેમને દંડવામાં આવે ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસ સ્ટેશનોને દંડ વસૂલવા આદેશ કરવામાં આવ્યો હતો. ૧૭ જૂનથી શહેરમાં અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં માસ્ક અંગે દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ૧૦ દિવસમાં માસ્ક ન પહેરનારા ૯૩૫૫ લોકો પાસેથી ૧૬,૫૨,૮૦૦રૂ.નો દંડ વસૂલવામાં આવ્યો છે. હજુ પણ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા જ્યારે માસ્ક ન પહેરનારને દંડ આપવામાં આવે છે ત્યારે લોકો તરફથી અલગ અલગ પ્રતિસાદ આપવામાં આવે છે, જેમકે કાન દુખે છે, ઓક્સિજન નથી મળતો, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સિંગલ સવારી છે તો માસ્ક કેમ પહેરવું, ગાડીમાં આગળ પાછળ અલગ બેઠાં છે તો માસ્ક શા માટે પહેરવું. આમ અલગ અલગ બહાનાં બતાવી લોકો છટકવા માગે છે પરંતુ પોલીસ દ્વારા કડકપણે કાર્યવાહી કરી દંડ વસૂલવાનું ચાલુ જ છે.પોલીસ તરફથી પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે માસ્ક લોકોની સલામતી માટે જ છે, માસ્ક પહેરવાથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે માટે લોકોએ માસ્ક પહેરવું જોઈએ.આગામી સમયમાં પણ માસ્ક અંગેનું અભિયાન ચાલુ રહેશે અને લોકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.