(સંવાદદાતા દ્વારા)
શહેરા, તા.ર૮
શહેરાના નાથુજીના મુવાડા ગામ ખાતે મહિલા કોરોના દર્દીના માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગામમાં ખળભળાટ મચી ગઈ છે. જ્યારે તાલુકામાં બીજો પોઝિટિવ કેસ કોરોનાનો નોંધાતા ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામ ખાતે અમદાવાદથી આવેલ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારજનોના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. જ્યારે પ્રથમ મહિલા કોરોના દર્દીની માતા નાનબા સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બીજા ચાર સદસ્યોનો રિપોર્ટ નેગેટિવ આવતા ક્વોરન્ટાઈન કરાયા હતા. આરોગ્ય વિભાગના તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવી અને તેમની ટીમ દ્વારા એક ગામમાંથી બે કોરોનાના દર્દીના કેસ મળી આવતા ૫૯૧ જેટલા ગ્રામજનોની સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે નાથુજીના મુવાડા ગામ ખાતે અવર-જવર કરતા ડામર રસ્તાઓ ઉપર પતરા મારીને બંધ કરવામાં આવ્યા છે.