અમદાવાદ,તા.૩૦
કેન્દ્ર સરકારે બજેટ સત્રના પ્રથમ દિવસે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ ર૦૧૮ રજૂ કર્યો ને આગામી ર૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ફુલગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અને ધારણાઓ માની ન શકાય તેવા છે. આર્થિક સર્વેમાં ર૦૩૧ સુધીમાં શહેરી વસ્તી ૬૦ કરોડને આંબી જશે તેમ દર્શાવાયું છે. તે જ બતાવે છે કે ખેતીઉદ્યોગ અને ગામડા પડી ભાંગ્યા છે આથી લોકો શહેરો તરફ પલાયન કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા કૈલાશ ગઢવીએ આર્થિક સર્વેક્ષણનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે સર્વેમાં રજૂ કરવામાં આવેલો આભાસ અને અર્થતંત્રમાં જોવા મળેલી હકીકતો તદ્દન વિરુધ્ધ દિશામાં જાય છે સર્વે રજુ થયો એ દિવસે શેરબજારનો સેન્સેક્ષ ર૩ર પોઈન્ટ વધ્યો પરંતુ બીજા જ દિવસે સેન્સેક્ષમાં ર૬૮ પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો. આગામી બજેટમાં ર૦૧૯ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સપના જ વેચવામાં આવશે. સરકાર દ્વારા કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી જ નથી જેથી કરી આ સર્વે અને બજેટમાં લોકોને લાંબાગાળાના વાયદા જ કરવામાં આવશે. સરકાર દ્વારા સર્વેના દિવસે બતાવવામાં આવ્યું કે ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે. ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો ખેતીનો વૃધ્ધિદર વાર્ષિક ૧૭ ટકાથી વધુ હોવો જોઈએ. જયારે હકીકત કંઈક અલગ જ છે. ગયા વર્ષે આ વૃધ્ધિદર ૧.૯ ટકા હતો. જયારે વર્ષ ર૦૧૭-૧૮માટે વાર્ષિક ર.૧ ટકા અપેક્ષિત છે. તો શું આ પણ બેન્ક એકાઉન્ટમાં ૧પ લાખ જમા કરાવવા જેવો જ મોટો એક જુમલો છે. જેથી ખેડૂતોના મત ર૦૧૯મા મેળવી શકાય ? જો ખેડૂતોની આવક બમણી થાય તો શહેરોમાં લોકોની સંખ્યામાં આટલી વૃધ્ધિ ન થવી જોઈએ દેશનું શહેરીકરણ થઈ રહ્યું છે એ જ બતાવે છે કે સરકારનો ઝોક માગ શહેરો તરફ જ છે. ફુગાવાનો દર છેલ્લા છ વર્ષમાં ઓછામાં ઓછો ૩.૩ ટકા રજુ કરવામાં આવ્યો છે. ફુગાવાના દરમાં ઘટાડો એ નોટબંધી અને જી.એસ.ટી. પછી નાના ઉદ્યોગોની ખરીદ શકિતમાં ઘટાડો થવાના કારણે માંગમાં થયેલ ઘટાડો પ્રદર્શિત કરે છે. ખેતી અને ઉદ્યોગમાં વૃધ્ધિદર અનુક્રમે ર.૧ અને ૪.૧ ટકા રહેશે તો પણ ચાલુ વર્ષનો જી.ડી.પી. ૬.૭પ ટકા રહેવા ધારણા બાંધવામાં આવેલ છે. જેમાં ફેરફાર થવાની શકયતા રહેલી છે, જો આ જીડીપી હાંસલ કરવામાં આવશે તો પણ એનો લાભ મર્યાદિત વર્ગને જ મળશે કારણ કે દેશનો મોટો વર્ગ ખેતી અને ઉદ્યોગો સાથે જોડાયેલ છે. સરકારે આર્થિક સર્વેમાં દર્શાવ્યું છે કે ટેક્ષ રીટર્ન ફાઈલ કરનારની સંખ્યામાં પ૦ ટકાની વૃધ્ધિ થયેલ છે પરંતુ સરકાર કર આવકમાં થયેલ વધારા કે ઘટાડા અંગે મૌન કેમ છે ? હકીકત એ છે કે ટેક્ષ રીટર્ન ફાઈલ કરનારની સંખ્યામાં વધારો થવાનું કારણ મલ્ટીસ્ટેટ રજિસ્ટ્રેશન અને મરજિયાત ટેક્ષની જવાબદારી ના બનતી હોય પણ નવી સિસ્ટમને કારણે રજિસ્ટ્રેશન ના છુટકે કરાવવું પડે તેવા રજિસ્ટ્રેશનના કારણે થયેલ છે.