(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
કોરોના વાયરસનો કોમ્યુનિટી ટ્રાન્સફરનો તબક્કો શહેરોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ શહેરથી ગામડામાં પ્રસરે નહીં તે માટે ગ્રામ્ય સ્તરે પણ લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ કરવા માટે સરપંચો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવાશે. એટલે કે રાજ્યના ચાર મહાનગરોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાશે. કોરોનાના વધતાં સંક્રમણને જોતા લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સીંગનો વધુ કડક અમલ કરવો જ પડશે. એમ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
લોકડાઉનના કડક અમલ અંગે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની વિગતો મીડિયાને આપતા ડીજીપી ઝાએ ઉમેર્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ લોકડાઉનનો વધુ કડક અમલ કરવા સૂચના આપી છે તે મુજબ ચારેય મહાનગરોમાં વધુ ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ કર્મીઓને યોગ્ય દિશા-નિર્દેશો આપી દેવાયા છે એટલે નાગરિકોએ પણ પૂરતી કાળજી અને સંયમ રાખીને પોલીસ સાથે ખોટા સંઘર્ષમાં ન ઉતરવું, આવું બનશે તો તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. પોલીસ લોકડાઉનના ચુસ્ત અમલ માટે જરૂરી કાર્યવાહી કરી રહી છે. તેમાં નાગરિકો પૂરતો સહયોગ આપે. મહાનગરોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ૫રવાનગી વગરના વાહનો લઈને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે નાગરિકોએ કારણ વગર ઘરની બહાર ન ફરવું. ટુ – વ્હીલર પર પણ એક કરતાં વધુ સવારી ન કરવા માટે પણ વાહનચાલકોને અપીલ છે. મુખ્ય રોડ પર પેટ્રોલિંગની સાથે સાથે સોસાયટીઓ અને મહોલ્લાઓને જોડતાં અંદરના માર્ગો પર પણ સઘન અને વધુ પેટ્રોલિંગ કરવા સૂચનાઓ આપી દેવાઈ છે. નગરોમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી સર્વેલન્સથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન સર્વેલન્સના ફુટેજના આધારે ગઈકાલે ૩૩પ ગુના સહિત આજદિન સુધી ૩૬૪૮ ગુના નોંધીને ૪૩૮પ આરોપીની અટકાયત કરાઈ છે. એવી જ રીતે સીસીટીવી ફુટેજના આધારે ગઈકાલે પપ ગુના નોંધીને ૧૦પ વ્યક્તિની અટક સાથે આજ સુધી ર૪૩ ગુના નોંધીને પ૦પ આરોપી ધરપકડ કરાઈ છે. લોકડાઉન સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા સંબંધી પણ ગઈકાલે ૧ર ગુના નોંધ્યા છે અને આજ સુધી ૧૧૩ ગુનાઓ નોંધી ૧૯૮ આરોપીની ધરપકડ કરાઈ છે. કોરોના પોઝિટિવમાંથી જરૂરી તબીબી સારવાર લઈને સાજા થઈ તથા હોમ કવોરન્ટાઈનમાંથી મુકત થઈ સમાજમાં પરત ફરતા નાગરિકો તેમજ તબીબી સેવાઓ સાથે સંકળાયેલ તબીબો અને મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ સાથે ભેદભાવભર્યું વર્તન ન કરવા અપીલ કરતાં ડીજીપી આવા તત્ત્વો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. દિલ્હી મરકઝથી ગુજરાતમાં આવેલા વ્યક્તિઓ મામલે ડીજીપી ઝાએ ઉમેર્યું કે, ગઈકાલ સુધી ગુજરાતમાં ૧ર૬ નાગરિકોની ઓળખ કરાઈ છે તે પૈકી ૮ નાગરિકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જે તમામ આઠેય વ્યક્તિઓ અમદાવાદની છે. પરત આવેલ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ લોકડાઉનના સમયગાળા દરમ્યાન આવેલા હોવાથી લોકડાઉનના ઉલ્લંઘન બદલ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એક દિવસમાં ર૩૪૩ ગુના
૧૮૪૩૦ વાહનો જપ્ત

અમદાવાદ, તા.૬
પોલીસ તંત્ર દ્વારા ગઈકાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગના ૧૪પ૭ અને કવોરન્ટાઈન ભંગના ૭ર૪ તથા અન્ય ૧૬ર ગુનાઓ મળી કુલ ર૩૪૩ ગુનાઓ આજરોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૩૯૧૮ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૧૮૪૩૦ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.