અમદાવાદ,તા. ૫
રાજયના નવનિયુકત પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ હોદ્દો ગ્રહણ કર્યા બાદ રાજયમાં કાયદો વ્યવસ્થાની ચુસ્ત અમલવારી અને દારૂબંધીના અમલીકરણ પર ખાસ ભાર મૂકયો હતો, તેથી ડીજીપીના નિર્દેશાનુસાર આજે અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી સપાટો બોલાવવામાં આવ્યો હતો અને દારૂ-જુગારના અડ્ડાઓ પર પોલીસ જોરદાર રીતે ત્રાટકી હતી. સતત ૧૫ કલાક સુધી ચલાવાયેલી ડ્રાઇવમાં પોલીસે ૧૯૪ બુટલેગરો-આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર ડ્રાઇવ દરમ્યાન જુદા જુદા વિસ્તારોના મળી કુલ ૧૮૪થી વધુ પ્રોહીબીશનના કેસ નોંધ્યા હતા, જયારે જુગારના ૧૫થી વધુ કેસ નોંધ્યા હતા. શહેર પોલીસની જબરદસ્ત ડ્રાઇવને પગલે શહેરભરના દારૂ-જુગારના અડ્ડા ચલાવતા બુટેલગર-તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, શહેર પોલીસની આ ડ્રાઇવ દરમ્યાન બીજી એક વાત એ પણ સામે આવી હતી કે, શહેરના ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, નવરંગપુરા, ઘાટલોડિયા જેવા વિસ્તારમાં એક પણ બુટલેગરના ત્યાંથી દારૂ મળી આવ્યો ન હતો અને તેથી પોલીસે આવા કિસ્સામાં નીલ રિપોર્ટ દર્શાવ્યો હતો, જો કે, સામાન્ય માણસને પોલીસના આ રિપોર્ટ અને દારૂ ના મળ્યો હોવાની વાત સહેલાઇથી ગળે ઉતરતી નથી. આજે શહેરના જેસીપી, ડીસીપી, એસીપી અને ક્રાઇમબ્રાંચ સહિતના પોલીસ સ્ટાફ સાથે અમદાવાદના પૂર્વના નરોડા, સરદારનગર, ઓઢવ, બાપુનગર, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં દારૂ-જુગારના અડ્ડા પર તવાઇ બોલાવવામાં આવી હતી તો, પશ્ચિમમાં સેટેલાઇટ, નવરંગપુરા, નારણપુરા, વસ્ત્રાપુર સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસે ડ્રાઇવ ચલાવી હતી. સતત ૧૫ કલાકની ડ્રાઇવ દરમ્યાન પોલીસે કુલ ૨૦૦૦ લિટર દેશી દારૂ જપ્ત કર્યો હતો, જયારે ૧૮૫ જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. તો, ત્રણ હજાર લિટર આથો પકડાયો હતો. પોલીસે સમગ્ર ઓપરેશન દરમ્યાન કુલ ૧૮૪થી વધુ કેસો કર્યા હતા અને ૧૯૪ જેટલા બુટલેગરો-આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની આ ડ્રાઇવ દરમ્યાન પાસા અને તડિપારના પાંચ આરોપીઓ પણ ઝપટે ચઢયા હતા. પોલીસે જુગાર રમતા ૩૦ આરોપીઓને ઝડપી લઇ ૧૫થી વધુ કેસ જુગારના નોંધ્યા હતા. નોંધનીય વાત એ છે કે, શહેર પોલીસે સતત ૧૫ કલાકની ડ્રાઇવ ચલાવી છતાં પણ દારૂનો બહુ મોટો જથ્થો કે વાંધાજનક ચીજવસ્તુઓ કે મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી નહી, તેથી આ ડ્રાઇવ એકંદરે રૂટીન જેવી સ્વાભાવિક રહી હતી.